નર્મદા

ડેડીયાપાડાના મોરજડીથી બગલાખાડી ગામ આવન-જાવન માટે રાહદારીઓને એવી તો સમસ્યા સર્જાય કે ભાજપના સાંસદને છેક દિલ્હીથી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની ફરજ પડી

પાઇપલાઇન ફાટતાં કીચડમય બન્યો રસ્તો

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પાકા રસ્તાઓની સુવિધા નહી હોવાથી પગદંડી કે કાચા રસ્તાઓનો સ્થાનિકો ઉપયોગ કરતાં હોય છે. વરસાદ પડતાંની સાથે રસ્તાઓ ચીકણા બની જતાં લોકોની અવરજવર પર રોક લાગી જતી હોય છે.

આવી જ એક ઘટનામાં દેડિયાપાડાના મોરજડીથી બગલાખાડીનો રસ્તો ચીકણો બની જતાં લોકો હાલાકી ભોગવી રહયાં છે. નર્મદા જિલ્લાના તંત્રનો વહીવટ ખાડે ગયો હોવાની પ્રતિતિ ભરૂચના સાંસદને થઇ રહી છે. આપના ધારાસભ્ય ચૂંટાયા છે તેવા દેડિયાપાડા મત વિસ્તારમાં આવેલાં મોરજડીથી બગલાખાડી તરફ જતો રસ્તો બિસ્માર હોવા બાબતે સાંસદે સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકી છે.

મોરજડી ગામ ખાતે બગલાખાડીનાં રસ્તા ઉપર થી ગ્રામજનોને અવર જવર કરવામાં પડતી હાલાકીની તસવીરો સાંસદે પોસ્ટ કરી છે. સાંસદ ધારે તો કલેકટરને આ બાબતે સીધી રજૂઆત કરી શકે છે પણ તેમણે સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકી હતી. રસ્તાના થઇ રહેલાં ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંબંધિત વાસમોનાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરી લોકો ને પડતી હાલાકી દૂર કરે તેવી માંગણી સાંસદે કરી છે. ઉલ્લેખનીય છે કે, દેડિયાપાડા મત વિસ્તારમાંથી આપના ધારાસભ્ય ચૂંટાઇ આવ્યાં છે ત્યારે સાંસદ આ વિસ્તારની સમસ્યાઓ વિશે સોશિયલ મિડિયામાં પોસ્ટ કરી રહયાં છે.

સ્થાનિકોએ મને ફોટા- વીડિયો મોકલ્યાં હતાં સ્થાનિક ગ્રામજનો એ મને રજૂઆત કરી ફોટો વિડીયો બતાવ્યો જે વરસાદ ખુબ પડતા ધોવાણ થયું હતું.જેથી મેં જેતે સક્ષમ અધિકારીને સૂચના આપી હતી જે તાત્કાલિક રીપેર થઇ ગયો છે. હું હાલ દિલ્હી છું પણ લોકોમાં જાગૃતિ આવે અને આવી સમશ્યાઓ મને ફોટો વિડિઓ મોકલે તો અહીંયાથી પણ હલ કરી શકાય એટલે લોક જાગૃતિ માટે પોસ્ટ મૂકી છે > સાંસદ મનસુખ વસાવા.

Related Articles

Back to top button