માંગરોળ

સુરતના માંગરોળ તરસાડી નગરપાલિકા ખાતે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાળ હાલ ઉગ્ર બની

ચીફ ઓફિસર અધૂરી રજૂઆત સાંભળી રવાના થતા મહિલા સફાઈ કામદારોએ બંગડીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો

સુરતના માંગરોળ તરસાડી નગરપાલિકા ખાતે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાળ હાલ ઉગ્ર બની છે. તરસાડી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના સત્તાધીશોની કાર પર બંગડીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કામદારોના વિરોધને લઇને કોસંબા પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર પાલિકા ખાતે છેલ્લા 7-8 દિવસથી સફાઈ કામગીરીથી અળગા રહીને હડતાળ પર ઉતર્યા છે. કામદારોની માગ છે કે, તેઓને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે, ખાલી જગ્યાઓ ભરવામાં આવે, કોન્ટેક્ટ પ્રથા રદ કરાઇ તેવી વિવિધ માગો સાથે ધરણા પર બેસી વિરોધ કરી રહ્યા છે અને બે દિવસ અગાઉ પાલિકાના મુખ્ય ગેટ પર તાળું મારી દીધું હતું.

સતત વિરોધ છતાં પણ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નહિ હલતા પાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી સહિત ચૂંટાયેલા હોદ્દેદારોનો ઘેરાવ કર્યો હતો .જોકે ચીફ ઓફિસર અધૂરી રજૂઆત સાંભળી રવાના થતા મહિલા સફાઈ કામદારોએ બંગડીઓ ફેંકી ફરી પાલિકાના ગેટ બહાર બેસી પાલિકાના સત્તાધીશોના છાજિયાં લઈ હાય હાયના નારા લગાવ્યા હતા. કામદારોના વિરોધ પ્રદર્શનને લઇને પાલિકા ખાતે કોસંબા પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button