ઉમરપાડા

GSRTC વિભાગ જાણે ઉમરપાડાના ઉભરીયા રૂટના લોકો સાથે જન્મો-જન્મનો બદલો લેતો હોય એમ વારંવાર ખટારા બસ મૂકે છે

બોલો હવે, આ વખતે તો બસને ટ્રેક્ટરથી ખેંચવી પડી

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે રાત્રિ રોકાણ કરતી એસટી બસ અત્યંત ખખડધજ હાલતમાં હોવાથી વારંવાર ખોટકાતા મુશ્કેલીમાં મુકાયેલા લોકોએ એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

ગુજરાત એસ.ટી કોર્પોરેશનના સુરત વિભાગના બારડોલી એસ.ટી ડેપોમાંથી સુરતથી ઉભારીયા ગામ સુધી એસટી રૂટનું સંચાલન કરવામાં આવે છે અને રાત્રિ રોકાણ ઊભારીયા ગામે કરવામાં આવે છે. રૂટ લાંબો અંતરનો અને સારી આવકવાળો છે. આ બસ આદિવાસી પ્રજાને માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. એસ.ટી બસ વહેલી સવારે ઉભારીયા ગામથી ઉપડતી હોવાથી નોકરીયાત વર્ગ, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓ, રત્ન કલાકારો આ બસનો મહદઅંશે લાભ લે છે તેમ છતાં આ મહત્વના રૂટ ઉપર તદ્દન ભંગાર બસ દોડાવાય છે. જે બસ વારંવાર ખોટકાઈને બ્રેકડાઉન પડે છે.

બસ ગત તારીખ 4/6/2024 તથા તા.8/6/2024ના રોજ સવારે ઉભારીયા સુરત ST બસ ચાલુ જ નહીં થતાં બ્રેકડાઉન પડી હતી. જેના કારણે આ બંને દિવસે અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. સાથે સાથે એસ.ટી નિગમને પણ હજારો રૂપિયાનું આર્થિક નુકશાન થયું છે. આ બાબતે ઉભારીયા ગામના સામાજિક કાર્યકર શંકર ચૌધરીએ ગુજરાતના રાજ્યપાલ સહિત એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.

જેમાં બ્રેકડાઉન થવા બાબતે ઉપરોક્ત બંને દિવસે ફરજ પરના ડેપો વર્કશોપના અડિયલ અધિકારીની જવાબદારી નક્કી કરી સખ્ત કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. બંને દિવસ ગામમાંથી ટ્રેક્ટર લાવી એસટી બસ બાંધીને ખેંચાવી બસને ચાલુ કરી હતી. આ બાબત કડવી પણ વાસ્તવિક ખરી હકીકત છે. બારડોલી ડેપોના અધિકારીઓ કોઈપણ રજૂઆતને ધ્યાને લેતાં નથી ત્યારે ગુજરાતના રાજ્યપાલ અને એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ જવાબદારો સામે કડક પગલાં ભરે તેવી માગણી કરવામાં આવી છે. ત્યારે હાલ સરકારી બસને ટ્રેક્ટરથી ખેંચતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

Related Articles

Back to top button