ગુજરાત

બિલકીસબાનો પર આવેલા ચુકાદામાં એ વાતો જે સુપ્રીમ કોર્ટથી છુપાવવામાં આવી

ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે બિલકીસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારના લોકોની હત્યા કરવાના મામલામાં સજા પામેલા 11 દોષિતોની સજામાફીના નિર્ણયને રદ કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટની બે સભ્યોની પીઠે આ ચુકાદો સંભળાવ્યો છે.

કોર્ટના આ ચુકાદા પછી આ 11 દોષિતોને બે અઠવાડિયાંની અંદર જેલમાં અધિકારીઓ સામે સરેન્ડર કરી લેવું પડશે.

આ કેસ સાથે જોડાયેલાં વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું, “આ એક બહુ સારો નિર્ણય છે. આ નિર્ણયે કાયદાના શાસનમાં દેશના લોકોનો વિશ્વાસ દૃઢ કર્યો છે. વિશેષ રૂપે મહિલાઓને મળતી કાનૂની સુરક્ષા અને અદાલતોમાં વિશ્વાસને જાળવી રાખ્યો છે અને ન્યાયને સુનિશ્ચિત કર્યો છે.”

કૉર્ટ સામે શું હતો મામલો?

ગુજરાતમાં 2002નાં રમખાણો દરમિયાન 11 લોકોએ બિલકીસબાનોનો સામૂહિક બળાત્કાર કર્યો હતો.

એ સમયે બિલકીસ ગર્ભવતી હતાં. આ સાથે જ 14 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી જેમાં બિલકીસબાનોની ત્રણ વર્ષીય દીકરી પણ સામેલ હતી.

ગુજરાત પોલીસે 2002માં કહ્યું હતું કે આ કેસ બંધ કરી દેવો જોઈએ કારણ કે તે ગુનેગારોને શોધી શકી નથી.

આ પછી બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટ પાસે એવી માંગ કરી હતી કે આ કેસની તપાસ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા કરાવવામાં આવે.

આ પછી મામલો ગુજરાતથી મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યો હતો.

વર્ષ 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે આ 11 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આજીવન કેદની સજા આજીવન હોય છે પરંતુ ગુનેગારને 14 વર્ષ પછી તેનું સારું વર્તન જોઈને છોડી દેવાનો સરકારને અધિકાર છે. સરકાર આ કેસમાં અન્ય શરતો પણ લાદી શકે છે, જેમ કે સંબંધિત કેદીને ક્યારે છોડવામાં આવે.

દોષિતોએ કરી હતી સજામાફીની અપીલ

ત્યારબાદ એપ્રિલ 2022માં રાધેશ્યામ ભગવાન શાહ નામના દોષિતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ગુજરાત સરકારે 1992ની નીતિ હેઠળ તેની સજા માફ કરવાનો નિર્ણય લેવો જોઈએ. ગુજરાત સરકારે તેનો વિરોધ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બૅન્ચના જણાવ્યા અનુસાર આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લેવો પડશે. પરંતુ સુપ્રીમ કોર્ટે તે સમયે રાધેશ્યામ ભગવાન શાહની અરજી મંજૂર કરી હતી.

આ પહેલાં રાધેશ્યામ ભગવાન શાહે પણ ગુજરાત હાઈકોર્ટમાં આવી જ અરજી કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સજા માફ કરવાની સત્તા મહારાષ્ટ્ર સરકાર પાસે છે.

આ પછી 10 ઑગસ્ટ, 2022ના રોજ ગુજરાત સરકારે તમામ 11 ગુનેગારોની સજા માફ કરી હતી અને તેમને મુક્ત કર્યા.

બિલકીસબાનો અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રા અને જાણીતાં સામાજિક કાર્યકર્તા સુહાસિની અલી જેવી ઘણી અન્ય મહિલાઓએ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી હતી.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સોમવારના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

કોર્ટના મતે માફી આપવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારને કરવાનો નિર્ણય હતો. કોર્ટે કહ્યું કે જે રાજ્યમાં સજા સંભળાવવામાં આવશે તે જ સજા માફ કરવાનો નિર્ણય કરશે. કોર્ટે ગુજરાત સરકાર પર પણ આકરી ટિપ્પણી કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે 11 ગુનેગારોમાંથી એક એવા રાધેશ્યામ સાથે ‘મેળાપીપણા અને મિલીભગત’ થી કામ કર્યું હતું.

આ સાથે કોર્ટે કહ્યું કે, અગાઉ પણ ત્રણ વખત આ કેસમાં કોર્ટને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. પહેલાં ગુજરાત પોલીસ પાસેથી તપાસ હઠાવીને સીબીઆઈને સોંપવામાં આવી હતી અને આ કેસ પણ ગુજરાતમાંથી હઠાવીને મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યો હતો.

કોર્ટે એમ પણ કહ્યું કે તેમનો 2022નો નિર્ણય ખોટો હતો.

આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું હતું કે ગુજરાત સરકારે 2022ના નિર્ણય માટે રિવ્યૂ પિટીશન દાખલ કરવી જોઈતી હતી.

કોર્ટે તો એમ પણ કહ્યું કે સજામાં માફી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારની સત્તા છીનવી લેવા સમાન છે.

આ કેસમાં સીબીઆઈ મુંબઈના સ્પેશિયલ જજ, સીબીઆઈમાં દાહોદના એસપી અને ગુજરાત પોલીસ જેવા ઘણા સત્તાધીશોએ સજા માફ કરવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ગુજરાત સરકારે તેમના અભિપ્રાય પર ધ્યાન આપ્યું ન હતું.

કોર્ટે કહ્યું કે સરકારે આ તમામ અભિપ્રાયો પર પણ વિચાર કરવાની જરૂર હતી.

કોર્ટે કહ્યું કે તમામ 11 ગુનેગારોની સજામાં ફેરફારના ઑર્ડરની નકલો એકસમાન હતી, જે દરેક કેસના તથ્યો પર કોઈ સ્વતંત્ર વિચાર ધરાવતી નથી.

કોર્ટે એમ પણ કહ્યું કે 2022ના કોર્ટના આદેશમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ તથ્યો છુપાવવામાં આવ્યાં હતાં અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાધેશ્યામ ભગવાન શાહે એ જણાવ્યું ન હતું કે તેમણે મહારાષ્ટ્ર સરકાર પાસે સજામાફીની પણ માગ કરી હતી. તે પછી ઘણા અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે તેની સજા ઓછી ન થવી જોઈએ.

આ બાબતની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાધેશ્યામ ભગવાન શાહે આ વાત ન તો સુપ્રીમ કોર્ટને જણાવી હતી કે ન તો ગુજરાત સરકારને.

હવે શું થશે?

આ મામલા સાથે જોડાયેલા તમામ દોષિતોને આવતા બે અઠવાડિયામાં જેલમાં પરત ફરવાનું છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું મહારાષ્ટ્ર સરકાર તેની સજા માફ કરી શકે છે?

સુપ્રીમ કોર્ટમાં બિલકીસબાનોનાં વકીલ શોભા ગુપ્તાનું કહેવું છે કે હવે આસાનીથી તેમને સજામાફી નહીં મળે.

તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્ર રાજ્યની સજામાફીની નીતિ વધુ કઠોર છે. મારા મત પ્રમાણે જો કોઈ આ કાયદાને સારી રીતે લાગુ કરે તો બિલકીસબાનોના મામલામાં સજામાફી મળવી અશક્ય છે.”

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની 11.04.2008ની નીતિ પ્રમાણે બિલકીસબાનોના અપરાધીઓને ઓછાંમાં ઓછાં 28 વર્ષ જેલમાં વિતાવવા પડશે. એટલા માટે સીબીઆઈના વિશેષ જજે પહેલાં જ કહ્યું હતું કે તેમને સજામાફી ન મળવી જોઈએ.

હકીકતમાં, મહારાષ્ટ્રમાં 2008ની લાગુ નીતિ પ્રમાણે મહિલાઓ અને બાળકોની હત્યા કે તેમની સાથે બળાત્કારના મામલામાં 28 વર્ષ પછી જ સજામાફી આપી શકાય છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકુરે કહ્યું કે આ ચુકાદામાં કોર્ટે અનેક મુદ્દાઓનું વર્ણન કર્યું છે જેના આધારે સજામાફી મળી શકે છે.

આ ચુકાદા પર તેમણે કહ્યું કે, “આ ચુકાદાથી સરકારો દ્વારા અધિકારોનો મરજીપૂર્વકનો ઉપયોગ બંધ થઈ જવો જોઈએ. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ અને નિર્ણય લેવા પાછળનાં કારણો સ્પષ્ટ કરવાં જોઈએ.”

જ્યારે વૃંદા ગ્રોવરનું એ માનવું હતું કે જો મહારાષ્ટ્ર સરકાર સજામાફી આપી પણ દે તો પણ આજનો ચુકાદો દર્શાવે છે કે લોકો કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.

તેમણે કહ્યું, “આજનો નિર્ણય સજામાફીની વિરુદ્ધ નથી પરંતુ તે પ્રશ્ન પૂછે છે કે એ શક્તિનો ઉપયોગ કેવી રીતે થાય છે? શું દરેકને સમાન સુવિધા મળી રહી છે?”

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સજામાફી માટે સરકારે તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડશે અને તમામ સત્તાવાળાઓના અભિપ્રાયને પણ ધ્યાનમાં લેવા પડશે, જે ગુજરાત સરકારે આ વખતે કર્યું નથી.

બૉમ્બે હાઈકોર્ટમાં ઍડવોકેટ વિજય હિરેમતે પણ કહ્યું હતું કે કોર્ટના નિર્ણયની ભવિષ્યમાં માફીના કેસ પર સારી અસર પડશે.

તેમણે કહ્યું, “આજનો નિર્ણય સ્પષ્ટ કરે છે કે સજા માફ કરવાનો નિર્ણય ત્યાં જ લેવામાં આવશે જ્યાં સજા આપવામાં આવી હોય.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, “ઘણી વખત એવું બને છે કે જો કોઈ અનુકૂળ સરકાર સત્તામાં આવે છે જ્યાં ગુનો કરવામાં આવ્યો હોય, તો તે સજાને માફ કરી દે છે.”

હિરેમત માને છે કે આ નિર્ણયોથી આવા કિસ્સાઓ પર રોક લાગશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button