નર્મદારાજનીતિ

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે તલાટીનો વારો કાઢ્યો

આવકના દાખલા માટે ધક્કા ખાતી મહિલાની વાતથી દેવુસિંહ ગુસ્સે થયા

નાંદોદના જીઓરપાટી ગામેથી વિકસિત ભારત સંકલ્પયાત્રાના બીજા પડાવમાં રથનું પ્રસ્થાન કરાવવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પધાર્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ આદિજાતિ જિલ્લા નર્મદાના વિવિધ વિસ્તારોમાં ફરી સરકારની વિવિધ યોજનાઓના લાભ અને એની માહિતી જનજન સુધી પહોંચાડશે. આ કાર્યક્રમમાં આવકના દાખલા માટે છેલ્લા એક મહિનાથી ધક્કા ખાતી મહિલાએ વહેલી તકે દાખલો અપાવવા ફરિયાદ કરતાં કેન્દ્રીય મંત્રીએ જાહેર મંચ પરથી તલાટીનો ઊધડો લીધો હતો, સાથે યાત્રા માટે આવેલા રથનો કોન્ટ્રેક્ટ રદ કરવા પણ કલેક્ટર નર્મદાને મંત્રીએ આદેશ આપ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ વિકસિત ભારત સંકલ્પયાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ નર્મદા જિલ્લામાં બે દિવસથી વિકસિત ભારત સંકલ્પયાત્રામાં આવ્યા છે, જ્યાં નાંદોદના સોંઢલિયા ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું, સાથે સોંડલિયા ગામને મુખ્ય હાઇવે સાથે જોડવા પોતાની જમીનનું દાન કરનાર સોંડલિયા ગામના દાતા ફતેસિંહનું આ પ્રસંગે સન્માન કરી તેમને બિરદાવ્યા હતા. બાદમાં બીજા પડાવમાં જીઓરપાટી ગામથી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત સભ્યો અને અન્ય પદાધિકારીઓ, પદાધિકારીઓ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા.

‘એક મહિનાથી તેમને આવકનો દાખલો મળ્યો નથી’
કાર્યક્રમ દરમિયાન એક મહિલાએ આવકના દાખલા માટે છેલ્લા એક મહિનાથી ધક્કા ખાતી હોવાની ફરિયાદ કેન્દ્રીય મંત્રીને કરતાં રોષે ભરાયા હતા. મહિલાની વાત સાંભળી તેમણે તાત્કાલિક જાહેરમંચ પરથી જણાવ્યું હતું કે ક્યાં છે જીઓરપાટી ગામના તલાટી, મહિનાથી આ બહેનને આવકનો દાખલો આપ્યો કેમ નથી. કલેક્ટરને સંબોધતાં કહ્યું, જો તમારી માતા કે બહેન બીમાર પડે તો તમને આવકના દાખલા માટે ધક્કા ખાવા પડે તો કેવું લાગશે, આ તો અત્યારે આ બહેને ઊભાં થઈ મને જણાવ્યું ત્યારે મને ખબર પડી કે એક મહિનાથી તેમને આવકનો દાખલો મળ્યો નથી. તેમને આવકનો દાખલો મળે એની જવાબદારી કોની છે.?

કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં તલાટીને ખખડાવ્યા
કલેક્ટરે જવાબ આપતાં કહ્યું દાખલો તૈયાર છે, એના જવાબમાં દેવુસિંહ બોલ્યા તૈયાર છે તો સરકારી જવાબ છે, આ સરકારી જવાબ મારે નથી સાંભળવો. ગરીબની અંદર તમારી લાગણી નથી. જો પ્રાઈવેટમાં નોકરી કરીએ તેને જોબ કહેવાય અને સરકારી નોકરી કરીએ તેને સર્વિસ કહેવાય અને સર્વિસ એટલે સેવા. તમે સેવા કરવા અહીં બેઠા છો. જો તમારા જેવા અધિકારી આ ગરીબોની સેવા ન કરે તો તેઓ કોની પાસે જાય. તમને પણ ગંભીરતા હોવી જોઈએ કે કોઈ અધિકારી કે પદધિકારી આવીને પૂછશે તો શું જવાબ આપશો.

સંકલ્પયાત્રાના રથનો કોન્ટ્રેક્ટ રદ કરવા કલેક્ટરને આદેશ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને વિકસિત ભારત સંકલ્પયાત્રાની શરૂઆત કરી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ અને એની માહિતી જનજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને અહીં આવું ચાલી રહ્યું છે. બે દિવસથી હું આ ગામડાંમાં ફરું છું, સરકારની વિવિધ યોજનાઓ માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે. રથમાં બતાવવામાં આવતી ફિલ્મ બરાબર ચાલતી નથી અને તેને પેમેન્ટ કરી દેવાનું. આ રથનો કોન્ટ્રેક્ટ કેન્સલ કરો અને નવો રથ મગાવો. 20 વર્ષથી છું હું અને આ અધિકારીનો ખૂબ નબળું કામ હોય એવો પહેલો દાખલો છે, એ અધિકારીને કઈ પડી જ નથી. આ ગરીબ લોકો તમારા ભરોષે બેઠા છે કે કોઈ લાગણીવાળો અધિકારી આવશે, જે અમારું દુઃખ સમજશે અને એને દૂર કરશે. હવે પછી ખૂબ ગંભીરતાથી કામ થવું જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button