કામરેજ 

ACB ટીમે કામરેજનાં માંકણા-વલથાણ ગામના તલાટીને 40 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો

કામરેજનાં માંકણા-વલથાણ ગ્રામપંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા ભરત કનુભાઇવાળાને એસીબીની ટીમે વેરાબીલ મામલે 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપી પાડવાની ઘટનાનાં પગલે સુરત જિલ્લા તલાટી બેડામાં હડકંપ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરત કનુભાઇ વાળા કામરેજનાં માંકણા- વલથાણ ગ્રામપંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. ત્યારે વલથાણ પંચાયત કચેરી ખાતે ફરીયાદીને ભાડીથી રાખેલ મિલકતનાં ગ્રાઉન્ડ ફ્લોરનો વેરાબીલમાં ઉલ્લેખ ન થતો હતો. ફરીયાદીને જીએસટી નંબર અને વિજ કનેક્શન મેળવવા માટે વેરાબીલની જરૂરીયાત હતી. જે માટે ફરીયાદીએ તલાટીનો સંપર્ક કરતા તલાટી ભરતે ફરીયાદીને જણાવેલ કે તમારે વેરાબીલમાં ઉલ્લેખ કરવો હોય તો 40 હજાર રૂપિયા આપો તો તમારૂ કામ થઇ જશે જેવું જણાવી મિલકતનાં વેરાબીલમાં સુધારો કરી આપવાનાં અવેજ પેટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

જોકે ફરીયાદી લાંચ આપવા ન માગતો હોવાનાં પગલે જેણે એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની કેફીયત એસીબી સમક્ષ રજૂ કરી હતી. ઘટનાની જાણ થતા એસીબીની ટીમે વલથાણ પંચાયત કચેરી ખાતે છટકુ ગોઠવી દીધું હતું. જોકે એસીબીની ગોઠવેલી ટ્રેપ સફળ થઇ હોય તેમ તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. હાલ એસીબીની ટીમે તલાટી ભરત વાળાને ડિટેઇન કરી આગળની દિશામાં તપાસ હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Related Articles

Back to top button