ડાંગ

વિકાસ કામોમાં હલકી કક્ષાના મટિરિયલ તા.પં. સભ્ય ઉપયોગ કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

સ્થાનિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચિંચલી ગામમાં ATVT, 15માં નાણાપંચ તથા તાલુકા પંચાયતના કામોમાં તાલુકા સદસ્ય દ્વારા મનમાની કરી હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.


આહવા તાલુકા પંચાયતનાં ચિંચલી વિસ્તારનાં તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચૌધરી દ્વારા ચિંચલી તાલુકામાં આવતા 15માં નાણાપંચના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યાં છે.

ચિંચલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારનાં ગામોમાં 15માં નાણાપંચ તથા ATVTનાં કામોમા પણ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા હલકી કક્ષાનો માલ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનાં આક્ષેપો કર્યા છે. આ કામોમાં માટી જેવી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગ્રામજનોએ વિરોધ કરવા છતા પણ એ કામો તાલુકા પંચાયતના સદસ્યની મનમાનીથી થતા જોવા મળી રહ્યા છે. ચિંચલી તાલુકાનાં કામો અને ગ્રામ પંચાયતના કામો જેવા કે 15માં નાણાપંચ તથા એટીવીટી હેઠળ કરાયેલા કામોને હજુ 3થી 4 મહિના થયા નથી તેવામાં આ કામોની હાલત બિસ્માર થઈ ગઇ છે.

ચિંચલીમાં હનુમાનજી મંદિરથી પ્રાથમિક શાળા તરફ જતા સી.સી.રસ્તાનાં કામમાં પણ માટી જેવી રેતીનો ઉપયોગ કરાયો છે અને રસ્તાની બે ઇંચ પણ જાડાઇ કરવામાં આવી નથી. હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ કરી બનાવાયેલ રસ્તાને ફરી બનાવાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે તેમજ સ્થળ પર કામો અને બિલનાં ચુકવણા થયેલ કામોમાં તક્તી તથા બોર્ડ પણ મુકાયા નથી, જેના કારણે અનેક સવાલ ઉઠ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહીનાં પગલા લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button