દેશરાજનીતિ

સંસદ સંકુલમાં તૃણમૂલ સાંસદે નકલ ઉતારતા જગદીપ ધનખડ ભડક્યા

  • વિપક્ષના સાંસદોના ગૃહ બહાર ધરણાં
  • તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડની મિમિક્રી કરી, રાહુલે વીડિયો ઉતાર્યો

સંસદના શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદ સંકુલમાં જ ધરણા પર બેઠા છે. આ સમયે એનડીએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી વખતે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ ઉતારી મિમિક્રી કરતાં ઉપરાષ્ટ્રપતિ તેમના પર ભડક્યા છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે, આ હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ રાજ્યસભાના અધ્યક્ષની મજાક ઊડાવી રહ્યા છે અને બીજા સાંસદ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. વિપક્ષના નેતાઓના પતનની કોઈ હદ નથી. મેં એક વીડિયો જોયો છે. ટીવી પર એક મોટા નેતા વિડીયો બનાવી રહ્યા હતા જ્યારે બીજા સાંસદ નકલ કરી રહ્યા હતા. ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની મજાક ઉડાવીને સાંસદોએ મારું અપમાન કર્યું છે. મારી કૃષિ પૃષ્ઠભૂમિ, મારા પદની મજાક ઊડાવી છે.

તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી. રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા અનેક વરિષ્ઠ નેતા ત્યાં હાજર હતા.

રાજ્યસભામાં ૧૪ ડિસેમ્બરે ગૃહના અધ્યક્ષ જગદીશ ધનખડે તૃણમૂલ સાંસદ ડેરેક ઓ’બ્રાયનને ગૃહના શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યાર પછી સોમવારે લોકસભામાંથી ૩૩ અને રાજ્યસભામાંથી ૪૫ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. વધુમાં મંગળવારે સંસદમાંથી ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. આમ સંસદમાં આ સત્રમાં કુલ ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button