ગુનોતાપી

ડસ્ટબિનની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો ઉચ્છલ તાલુકા પંચાયત ઉપર આક્ષેપ લાગ્યા

ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા જુદા જુદા ગામડાંમાં મૂકવામાં આવેલ 195 નંગ જેટલાં ડસ્ટબીનની ખરીદીમાં મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વિરોધપક્ષના નેતાએ તાપી જિલ્લા ડીડીઓ અને વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરી છે અને કસૂરવાર લોકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.


મળતી માહિતી  મુજબ ઉચ્છલ તાલુકાના સેવટી બેઠકના તાલુકા પંચાયત સભ્ય એવાં મહેશભાઈ પી વળવી હાલ પંચાયત ખાતે વિરોધપક્ષના નેતા તરીકે કાર્ય કરે છે. તેમણે તાજેતરમાં ઉચ્છલ તાલુકા પંચાયતના વહીવટ બાબતે તાપી જિલ્લાના ડીડીઓને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યાં મૂજબ ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા વર્ષ 2021/22 ની 15 મું નાણાં પંચની ગ્રાન્ટમાંથી તાલુકાના આયોજન ના કામમાં જુદા જુદા ગામડામાં ડસ્ટબીન મૂકવાની કામગીરી કરવામાં આવી છે. આ બાબતે ભરૂચની એક ખાનગી કંપની પાસેથી કુલ 195 જેટલાં પ્લાસ્ટિકના ડસ્ટબીન ખરીદવામાં આવ્યાં હતાં. આ અંગેની ખરીદી દરમિયાન એક ડસ્ટબીનની કિંમત રૂ.8970 લેખે કુલ 195 ડસ્ટબીન ના રૂ.17,49,150 ની રકમ જે તે એજન્સીને ચૂકવવામાં આવ્યાં છે. જો કે આ ડસ્ટબીન મુકવાની કામગીરી દરમિયાન પણ નકરી વેઠ ઉતારવામાં આવી હતી ઘણે ઠેકાણે માત્ર નામ પૂરતા જ ડસ્ટબીન ગોઠવી દેવામાં આવ્યા હતા. જે હવે ધીરે ધીરે બિન ઉપયોગી બનવા તરફ જશે એવું લાગી રહ્યું છે.

મહેશભાઈએ કરેલી રજૂઆતમાં જણાવ્યાં મુજબ એજન્સી દ્વારા ગામડાંમાં જે ડસ્ટબીન લગાવવામાં આવ્યાં છે એ સુપ્રીમ કંપનીના ડસ્ટબીનની ખુલ્લા બજારમાં કિંમત આશરે રૂ. 2450 જેટલી ગણાય છે તે ડસ્ટબીન ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા રૂ.8970 ચૂકવી ખરીદી કરવામાં આવી છે જે પ્રથમ દ્રષ્ટિએ જ ખોટું થયું છે.ઉચ્છલ તાલુકા પંચાયત ના કર્તાહર્તાઓ દ્વારા ડસ્ટબીનની ખરીદીમાં ભ્રષ્ટાચાર ભરી રીત રસમ અજમાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે અરજદારે સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને પુરી તપાસ કરવામાં આવે અને કસૂરવારો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. એ સાથે જ તેમણે આ પત્રની એક કોપી વિકાસ કમિશનર ગાંધીનગર ને પણ મોકલી છે ત્યારે આ અંગે સરકારી રાહે કોઈ તપાસ થશે કે કેમ એ જોવું રહ્યું. સાથે સાથે આ ભ્રષ્ટાચાર સામે આવતા પ્રજામાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

  • શું આ ભ્રષ્ટાચાર આચરવા માટે કોઈ મોટા નેતાનો હાથ છે?
  • શું આ ભ્રષ્ટાચાર ખુલ્લા દોર લીધેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે?
  • શું આ ભ્રષ્ટાચાર કરનારાઓ ઉપર આકરા પગલાં ભરવામાં આવશે કે નહીં? 
  • આવા ભ્રષ્ટાચાર નાથવા માટે સરકાર કે તંત્ર શું પગલાં લઈ રહી છે? 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button