ડાંગ

ડાંગ જિ.પં.માં અનિવાર્ય સંજોગોનાં પગલે બાકી રહેલી 4 સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી

પાર્ટીએ વ્હીપ આપવા છતાં વઘઇના જિ.પં. સદસ્ય ગેરહાજર

ડાંગ જિલ્લા પંચાયતમાં શિક્ષણ,સિંચાઈ, આઇસીડીએસ અને સામાજિક ન્યાય સમિતિ મળી 4 અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરાઇ હતી. ડાંગ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની બીજી ટર્મમાં પણ ભાજપાની બહુમતિને પગલે ભગવો લહેરાયો છે. અગાઉ જિ.પં.માં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત બાંધકામ, અપીલ, કારોબારી અને આરોગ્ય સમિતિનાં અધ્યક્ષની સર્વાનુમતે વરણી થઈ હતી. જ્યારે ઉત્પાદન,સહકાર અને સિંચાઈ, શિક્ષણ,આઇસીડીએસ તેમજ સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષની વરણી અનિવાર્ય સંજોગોનાં પગલે બાકી રહી હતી.

ગુરૂવારે ડાંગ જિ.પં. પ્રમુખ નિર્મળાબેન ગાઈનનાં અધ્યક્ષ સ્થાને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિનાં ચેરમેન તરીકે હરીશભાઈ બચ્છાવ, શિક્ષણ સમિતિનાં ચેરમેનપદે બીબીબેન ચૌધરી, આઈસીડીએસ સમિતિનાં અધ્યક્ષ તરીકે સારૂબેન વળવી જયારે સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન તરીકે નીલમબેન ચૌધરીની સર્વાનુમતે વરણી કરાઇ હતી. જોકે વઘઇ તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ ગાંવિત પાર્ટીએ વ્હીપ આપવા છતાં ગેરહાજર રહેતા તેમની પાર્ટીમાં નારાજગી હોવાનું જાણવા મળ્યું હતું.

ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ, સંગઠન પ્રમુખ કિશોરભાઇ ગાંવિત, મહામંત્રીઓ રાજેશભાઈ ગામીત, હરિરામ સાવંત, દિનેશભાઇ ભોય, જિ.પં. પ્રમુખ નિર્મળાબેન ગાઇન સહિત ભાજપાનાં આગેવાનો, અધિકારીઓએ ઉપસ્થિત રહી નવા વરાયેલ ચેરમેનોને શુભેચ્છા પાઠવી હતી.

શાસ્ત્રોક્તવિધિને બદલે મેલડીવાળા બાબાના આશીર્વાદ મેળવી પદભાર ગ્રહણ કરતા તર્કવિતર્ક ગુરુવારે યોજાયેલ 4 સમિતિની વરણી બાદ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ નીલમબેન ચૌધરી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ બીબીબેન ચૌધરીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવાને બદલે મેલડીવાળા બાબાના આશીર્વાદ મેળવી વિધિવત મેલડી માતાની આરતી કરી પદભાર ગ્રહણ કરતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા હતા. આ બાબતે સંગઠન મહામંત્રી હરિરામ સાવંતે જણાવ્યું હતું કે ધાર્મિક મહત્વ સાથે મેલડી માતાના ભકત હોય તેમને માનતા હોય તેની પૂજા અર્ચના કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button