તાપી

સોનગઢમાં ગ્રા. પંચાયતના ઓપરેટરને નીકળતાં નાણાં હજુ ચૂકવાયા નથી

અન્ય તાલુકામાં પંદરમાં નાણાં પંચના રૂપિયા ચૂકવાય ગયા છે

સોનગઢ તાલુકાના ઊંડાણના ગામડાંમાં આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં ઓપરેટરોને તેમના નીકળતાં હકના નાણાં નહિ ચુકવવામાં આવતાં તેમણે સોનગઢ ટીડીઓને લેખિત રજૂઆત કરી તાકીદે પ્રશ્નનું નિરાકરણ લાવવા આગ્રહ કર્યો છે. સોનગઢ તાલુકો વિસ્તાર અને વસતિની દ્દષ્ટિએ મોટો તાલુકો છે.તાલુકામાં કુલ 175 જેટલાં ગામડાંનો સમાવેશ થયો છે અને આ ગામડાંનો વહીવટ ગ્રામ પંચાયત કચેરી મારફત ચાલતો હોય છે.

ગ્રામ પંચાયત કચેરીમાં તાલુકા કચેરીમાં નીકળતાં દાખલા અરજદારોને કાઢી આપવામાં આવતા હોય છે અને આ ફરજ વીસીઈ બજાવે છે. ગત એકાદ વર્ષ પહેલાં કમિશનર દ્વારા આવા ઓપરેટરોને 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી વધારાનું મહેનતાણું ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. આ બાબતે તાપી જિલ્લાના મોટે ભાગના તાલુકામાં 15માં નાણાં પંચના નાણાં ઓપરેટરોને ચૂકવી દેવામાં આવ્યાં છે જ્યારે સોનગઢ તાલુકામાં હજી સુધી આવા નાણાં ચુકવવામાં આવ્યાં નથી. કેટલાંક ઓપરેટર ભાઈઓને તો એક અથવા બે વર્ષથી આવા નાણાં ચુકવવામાં નથી આવ્યાં. આમ મોંઘવારીના જમાનામાં પોતાના હકથી વંચિત ઓપરેટરો નીકળતાં નાણાં મેળવવા માટે આમ તેમ ભટકી રહ્યાં છે. આ અંગે અગ્રણી ડેવિડભાઈ ગામીતના જણાવ્યાં મુજબ ગત એક માસ પહેલાં પણ સોનગઢ ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી પણ પ્રશ્નનો કોઈ નિકાલ હજી સુધી આવ્યો નથી. સોનગઢ તાલુકાના ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ઓપરેટરોએ ફરી એક વાર તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યાં મુજબ તેમના નીકળતાં નાણાં દિન સાતમાં ચુકવવામાં ન આવે તો વીસીઇ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button