તાપી

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ઓનલાઇન ટેન્ડરિંગને લઈને સોનગઢના ઘોડા જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોનો વિરોધ

તાપી જિલ્લાના સોનગઢના ઘોડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને મોટી સંખ્યામાં ભેગા મળી આવેદન પાઠવ્યું હતું. તેમની માગ છે કે, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ઓનલાઇન ટેન્ડરિંગને રદ કરવામાં આવે.

જૂથ ગ્રામ પંચાયત ઘોડા તથા ગ્રામજનો અને વાગદા ગ્રામજનોએ આવેદનમાં જણાવ્યું હતું કે, મુખ્ય ઈજનેર વડી કચેરી વડોદરા દ્વારા તા. 09-11-2023ના રોજ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતી પોન્ડ એસ અને ફ્લાઈ એશની ઓનલાઇન હરાજી કરવાનું નિર્ણય કર્યો છે. જેના વિરોધમાં અસરગ્રસ્ત ગામ ઘોડા તથા વાગદાના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો.

જેમાં 1973થી 2003 સુધીમાં થર્મલ પાવર સ્ટેશનની સ્થાપના માટે આદિવાસીઓની મહામૂલી જમીન 119 એકર પાણીના ભાવે સંપાદન કરી હતી. એ સમયે ગ્રામજનોને સરકાર અને કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારીની તકો આપવામાં આવશે એવી બાંહેદરી આપી હતી, પરંતુ તેમ છતાં આજ સુધી આપેલા વચન પ્રમાણે સ્થાનિકોને રોજગારી આપી નથી.

વધુમાં, ઘોડા જૂથ ગામ પંચાયત સરપંચ જશની ગામીતે જણાવ્યું હતું કે, હાલમાં થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતી પોન્ડ એસનું કટિંગનું કામ કરી શિક્ષિત બેરોજગાર યુવાનો છેલ્લા 20 વર્ષથી પોતાનું તથા કુટુંબનું જીવનનિર્વાહ કરી રહ્યાં હતા. હાલ કંપની GSECL દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાથી 700થી 800 લોકોની રોજગારી છિનવાઈ જવાનો ભય ઉભો થયો છે.

જેથી સ્થાનિક આદિવાસી બેકારીની ખપ્પરમાં હોમાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેનું સ્થાનિક આદિવાસીઓ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યાં છે. જે કટિંગનો ધંધો કરવા માટે ફાઇનાન્સ કંપની પાસે ઉંચા વ્યાજ દરે વાહનો ખરીદ કરી ધંધો કરી પરિવારનું જીવનનિર્વાહ કરતા વાહનચાલક ક્યાંથી રૂપિયા ચૂકવશે એ મોટો પ્રશ્ન છે. જો થર્મલ પાવર સ્ટેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં ન આવે તો વાહનચાલકોને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જેને લઇને GSECL વડી કચેરીને તાત્કાલિક અસરથી ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવે તેમ જણાવાયું હતું.

તાપી જિલ્લામાં GSECL ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન દ્વારા પોન્ડ એસ અને ફ્લાઈ એશની ઓનલાઈન ટેન્ડરિંગને બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને અસરગ્રસ્ત ગામોના લોકોએ આવેદન આપ્યું હતું. આ અસરગ્રસ્ત લોકોએ થર્મલ પાવર સ્ટેશનમાં પોતાની જમીન નજીવા ભાવે આપી છે. તેમનું કહેવું છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિકો દ્વારા પોન્ડ એશ અને fly એશનું કર્ટિંગ કરી તેઓ જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. જ્યારે ઓનલાઈન ટેન્ડરિંગ થવાથી તેમની રોજગારી છીંનવાતા તેઓ બેરોજગાર થવાની સંભાવનાને પગલે આ પ્રક્રિયા રદ થાય નહિ તો સ્થાનિકો આત્મવિલોપન અને રસ્તા પર ઉતરી તેનો સખત વિરોધ નોંધાવશે. જે અંગેની ચીમકી પણ આગેવાનોએ આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button