માંગરોળ

માંગરોળના દેગડીયા ગામના લોકોએ મામલતદાર કચેરી ખાતે પાણીની માંગને લઈને ખાલી માટલા સાથે ઉગ્ર પ્રદર્શન

માંગરોળ તાલુકાના દેગડીયા ગામના લોકોએ પાણીની માંગને લઈ મામલતદાર કચેરી ખાતે ખાલી માટલા સાથે દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિન સાતમાં પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના અને માંડવી તાલુકાના 68 જેટલા ગામોને પીવાના પાણી માટે રૂપિયા 35 કરોડની બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા યોજના મંજુર કરી હતી. આ સમયે પાણીના સંગ્રહ માટે તળાવની જરૂરિયાત ઊભી થતા દેગડિયા ગામના લોકોએ કાયમી ધોરણે ગામનું તળાવ ભરવાની શરતે તળાવનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી. અને તે સમયે પાણી પુરવઠા યોજનાના અધિકારીઓએ આ શરતો મંજુર રાખી હતી. જેથી પાણી પુરવઠા યોજના સાકાર થઈ હતી.

હાલમાં માંડવી તાલુકાના સઠવાવ ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ થતાં યોજના મર્જ કરી દેવામાં આવતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ શરતોનો ભંગ કરી દેગડીયા ગામના તળાવમાં પાણી ભરતા નથી. જેને કારણે દેગડીયા ગામના કુવા અને બોરમાં પાણી સુકાઈ જતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. લોકો પાણી વિના ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે પાણીની માર્ગને લઈ દેગડીયા ગામની મહિલાઓ અને પુરુષો ધમધકતા તાપમાં માંગરોળ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને પાણીના ખાલી માટલા સાથે મામલતદાર કચેરી ખાતે પાણી આપો પાણી આપો તળાવ ભરોના સૂત્રોચારો કરી દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ ગામના આગેવાનો અતુલ પટેલ અને ભુપેન્દ્ર ગામીતની આગેવાની હેઠળ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જેમાં દિન સાતમાં બોરસદ ડેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું તળાવ પાણી પુરવઠા વિભાગ દ્વારા નહીં ભરવામાં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Related Articles

Back to top button