Uncategorised

વર્લ્ડ કપમાં ભારતની સતત ચોથી જીત

બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

  • કોહલીએ 48મી સદી ફટકારી
  • સૌથી ઝડપી 26 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત મેળવી છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. કોહલીએ તેની 48મી વન-ડે સદી ફટકારી હતી. તેણે સૌથી ઝડપી 26 હજાર આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા છે. તેણે 567 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. તેની પહેલા સચિન તેંડુલકરે 600 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

પુણેના MCA ગ્રાઉન્ડ પર ટોસ જીતીને બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. ભારતીય બેટર્સે 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. વિરાટ કોહલીએ તેની વન-ડે કરિયરની 48મી સેન્ચુરી પૂરી કરી છે. જ્યારે શુભમન ગિલે તેની 10મી અડધી સદી ફટકારી હતી. ગિલે રોહિત સાથે 76 બોલમાં 88 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: 13મી ઓવરના ચોથા બોલે હસન મહેમુદે રોહિત શર્માને શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને રોહિતે ડિપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર છગ્ગો મારવા ગયો, પણ ત્યાં ઊભેલા તોહીદ હ્રિદોયે કેચ કરી લીધો હતો.

બીજી: 20મી ઓવરના બીજા બોલે મેહદી હસન મિરાઝે ગિલને ગુડ લેન્થમાં બોલ નાખ્યો, જેને ગિલે ડિપ મિડ વિકેટ સાઇડ શોટ માર્યો, પણ ત્યાં ઊભેલા મહમુદુલ્લાહ કેચ કર્યો હતો.

ત્રીજી: 30મી ઓવરના પહેલાં બોલે મેહદી હસન મિરાઝની બોલિંગમાં આગળ વધીને અય્યરે મિડ વિકેટ સાઇડ શોટ માર્યો, પણ બોલ હવામાં ઉંચો ગયો અને સરખું ટાઇમિંગ ના હોવાથી ત્યાં ઊભેલા મહમુદુલ્લાહ કેચ કરી લીધો હતો.

રોહિત-ગિલ વચ્ચે 88 રનની પાર્ટનરશિપ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 88 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ ભાગીદારી હસન મહેમુદે રોહિતને આઉટ કરીને તોડી હતી.

પાવરપ્લે- ભારતીય ઓપનરોએ 63 રન બનાવ્યા
257 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત અને ગિલની જોડીએ પ્રથમ 10 ઓવરમાં 63 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, હાર્દિક ગ્રાઉન્ડમાં પરત ફર્યો
ટીમ ઈન્ડિયા માટે બીજી ઇનિંગમાં સારા સમાચાર આવ્યા છે. પહેલી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થનાર હાર્દિક પંડ્યા ગ્રાઉન્ડમાં પરત ફર્યો છે. તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. આની જાણકારી BCCIએ આપી હતી. હવે તે જરૂર પડશે તો બેટિંગ પણ કરી શકશે.

બાંગ્લાદેશની ઇનિંગ… ત્રણ ભારતીય બોલર્સે 2-2 વિકેટ લીધી

બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ત્રણ બોલર્સે 2-2 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ લિટન દાસે 66 રન બનાવ્યા હતા. જ્યારે તન્ઝીદ હસને 51 રન કર્યા હતા. અંતમાં મહમુદુલ્લાહે 46 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યા આ મેચમાં ફિલ્ડિંગ કે બોલિંગ નહીં કરે
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા બોલિંગ વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની બોલિંગમાં લિટન દાસે સીધો શોટ માર્યો, જેને હાર્દિક પગેથી રોકવા ગયો. પણ જેના કારણે કોહલીએ બાકીની ઓવર પૂરી કરી હતી. ત્યારે હવે BCCIએ X પોસ્ટથી જાણકારી આપી છે કે હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. આથી તે આ મેચમાં બોલિંગ કે પછી ફિલ્ડિંગ નહીં કરી શકે.

વિરાટે વર્લ્ડ કપમાં 8 વર્ષે બોલિંગ કરી
કોહલીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ચાર વખત બોલિંગ કરી છે. જેમાં તેણે પહેલીવાર 2011ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ક્વાર્ટર ફાઈનલમાં નાખી હતી. આ પછી તેણે તે જ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ફાઈનલમાં બોલિંગ કરી હતી. તો 2015ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલમાં બોલિંગ કરી હતી. અને હવે હાર્દિકને ઈજા પહોંચતા બાંગ્લાદેશ સામે કોહલીએ બોલિંગ કરી છે.

લિટન દાસની 62 બોલમાં ફિફ્ટી
ઓપનર લિટન દાસે તેની ODI કારકિર્દીની 12મી ફિફ્ટી પૂરી કરી હતી. તે 82 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 80.49ના સ્ટ્રાઈક રેટથી 7 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા.

તન્ઝીદ-લિટને મજબૂત શરૂઆત અપાવી
ઓપનર તન્ઝીદ હસને લિટન દાસે બાંગ્લાદેશી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 88 બોલમાં 93 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને કુલદીપ યાદવે તન્ઝીદને LBW આઉટ કરીને તોડી હતી. કુલદીપે વર્લ્ડ કપમાં છઠ્ઠી વિકેટ લીધી છે.

તન્ઝીદે પોતાની પ્રથમ અડધી સદી 41 બોલમાં પૂરી કરી
ઓપનર તન્ઝીદ હસને 41 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પોતાની ODI કારકિર્દીની પ્રથમ અડધી સદી 41 બોલમાં પૂરી કરી હતી. તે 43 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો.

પાવરપ્લે- બાંગ્લાદેશ માટે શાનદાર શરૂઆત, 63 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ટીમના ઓપનર્સે પ્રથમ 10 ઓવરમાં 63 રન બનાવ્યા હતા.

આવી રીતે પડી બાંગ્લાદેશની વિકેટ…

પહેલી: 15મી ઓવરના ચોથા બોલે કુલદીપે લેફ્ટ હેન્ડેડ બેટર તન્ઝીદ હસનને ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને તે સ્વિપ શોટ રમવા ગયો, પણ મિસ થઈ જતા LBW આઉટ થયો હતો.

બીજી: 20મી ઓવરે જાડેજાએ આર્મ બોલ નાખ્યો, જેને કેપ્ટન નઝમુલ હસન શાન્તો બેકફૂટ જઈને ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ રમતા ચૂકી જતા તે LBW આઉટ થયો હતો.

ત્રીજી: 25મી ઓવરના પહેલાં બોલે સિરાજે ક્રોસ સીમ બોલ નાખ્યો, જેને મેહદી હસન મિરાઝ ફાઇન લેગ પર ફ્લિક કરવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે એક હાથે ડાઇવ મારીને કેચ કર્યો હતો.

ચોથી: 28મી ઓવરના ચોથા બોલે જાડેજાએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને લિટન દાસ આગળ વધીને લોંગ-ઑફ પરથી છગ્ગો મારવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાથી ત્યાં બાઉન્ડરી પર ઊભેલા શુભમન ગિલે સરળ કેચ કર્યો હતો.

પાંચમી: 38મી ઓવરના બીજા બોલે શાર્દૂલ ઠાકુરે તોહીદ હ્રિદોયને બાઉન્સર નાખ્યો હતો, જેને તોહીદ હ્રિદોય પુલ રમવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાથી સર્કલની અંદર જ મિડ વિકેટ પર શુભમન ગિલે કેચ કર્યો હતો.

છઠ્ઠી: 43મી ઓવરના ત્રીજા બોલે જસપ્રીત બુમરાહે આઉટ સાઇડ ઑફ સ્ટમ્પે સ્લોઅર બોલ નાખ્યો, જેને રહીમે બેકવર્ડ પોઇન્ટ પર કટ શોટ માર્યો, પણ ત્યાં ઊભેલા રવીન્દ્ર જાડેજાએ ડાઇવ મારીને ગજબનો કેચ કર્યો હતો.

સાતમી: 47મી ઓવરના પાંચમા બોલે મોહમ્મદ સિરાજે નસુમ અહેમદને બાઉન્સર નાખ્યો, જેને નસુમ અહેમદ રમી શક્યો નહીં અને એડ્જ વાગતા વિકેટકીપર રાહુલે કેચ કર્યો હતો. ​​​​​​

આઠમી: 50મી ઓવરના બીજા બોલે જસપ્રીત બુમરાહે સટીક યોર્કર નાખ્યો, જેમાં સેટ બેટર મહમુદુલ્લાહ બોલ્ડ થયો હતો.

બાંગ્લાદેશનો કેપ્ટન રમી રહ્યો નથી
બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત છે. તે આજે રમી રહ્યો નથી. તેની ગેરહાજરીમાં નઝમુલ હુસૈન શાંતો કેપ્ટનશિપ કરી રહ્યો છે. શાકિબની જગ્યાએ નસુમ અહેમદને ટીમમાં તક આપવામાં આવી છે. જ્યારે ભારતીય ટીમે કોઈ ફેરફાર કર્યો નથી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ: નઝમુલ હસન શાન્તો (કેપ્ટન), લિટન દાસ, તન્ઝીદ હસન, મેહદી હસન મિરાઝ, તોહીદ હ્રિદોય, મુશ્ફિકુર રહીમ(વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમુદ, મુસ્તફિઝુર રહેમાન અને શોરીફુલ ઈસ્લામ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button