રમતગમત

ભારતની સતત આઠમી જીત

સાઉથ આફ્રિકાને મોટા રનથી હરાવ્યું

સાઉથ આફ્રિકાને 243 રને હરાવીને ભારતે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત મેળવીને એક મહાસિદ્ધિ હાંસલ કરી છે.


  • વર્લ્ડ કપમાં ભારતની સતત આઠમી જીત
  • સાઉથ આફ્રિકા સામે 243 રનથી જીત 
  • બેટિંગમાં વિરાટ કોહલી, બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ લીધી 5 વિકેટ

આ વખતના વર્લ્ડ કપમાં એક પણ ટીમ ભારત સામે ટકી શકે તેવી હાલતમાં નથી. કોલકતાના ઈડન ગાર્ડનમાં સાઉથ આફ્રિકાને 243 રને હરાવીને ભારતે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત મેળવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતે સાઉથ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતની બોલિંગ સામે આફ્રિકાનો એક પણ ખેલાડી ટકી શક્યો નહોતો અને ધડાધડ આઉટ થતા રહ્યાં હતા. ભારત સામે આફ્રિકાનો આ ખૂબ કંગાળ પરાજય છે.

કોહલી-જાડેજા આઠમી જીતના હીરો

સાઉથ આફ્રિકા જીતનો હીરો વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા રહ્યાં છે. કોહલીએ બરાબર તેના બર્થડેના દિવસે સદી ફટકારી હતી. કોહલીએ 101 રન બનાવ્યાં હતા. તો બીજી બાજુ રવિન્દ્ર જાડેજા પણ તેનો જાદુ દેખાડ્યો હતો અને સાઉથ આફ્રિકાને પાંચ મોટા બેટરને પેવેલિયન ભેગા કર્યાં હતા. આ બન્નેને કારણે જ ભારતે સાઉથ આફ્રિકાને મોટા રનથી પરાજય આપ્યો હતો.

પહેલા બેટિંગનો રોહિતનો નિર્ણય ફળ્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની 37મી મેચ રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી. રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ શરુઆતમાં સારી ધાક જમાવી હતી. રોહિતે લગાતાર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને આફ્રિકી બોલર્સની ચિંતા વધારી દીધી હતી. જોકે ભારતને પહેલો ઝટકો રોહિત શર્માના રુપમાં લાગ્યો. રોહિત શર્મા 40 રન કરીને આઉટ થયો હતો પરંતુ તે પહેલા તેણે મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ 23 રન બનાવીને આઉટ થયો હતો.

શ્રેયસ અય્યર અને કોહલીની જોડીએ મચાવી ધમાલ
ઓપનિંગ જોડી જેટલું જોઈએ તેટલું ઉકાળી શકી નહોતી ત્યાર બાદ મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ દમદાર દેખાવ કરી જાણ્યો હતો. શ્રેયર અય્યરે પણ અર્ધ સદી કરી લીધી હતી.

વિરાટ કોહલીની ઐતિહાસિક સદી
વિરાટ કોહલીએ બરાબરના તેના જન્મદિવસે ચાહકોને ઐતિહાસિક ગિફ્ટ આપી છે. વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49મી સદી કરી હતી જે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબર છે. સચિને પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49 સદી પૂરી કરેલી છે. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા, તેણે સદી ફટકારીને ક્રિકેટના ભગવાન સચિનના વન-ડે મહારેકોર્ડની બરોબરી કરી હતી.

326 રનનો સ્કોર નાનો ન કહેવાય
ભારત સાઉથ આફ્રિકાને આપેલો 326 રનનો સ્કોર નાનો ન કહેવાય. કોઈ પણ ટીમ માટે આટલો મોટો ટાર્ગેટ મેળવવો અઘરો છે.

16 પોઈન્ટ સાથે ભારત નંબર વન પર 
8 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ભારતના 16 પોઈન્ટ થયાં છે. વર્લ્ડ કપમાં ભારતની ટીમ ટોપ પર છે અને હવે તેને ટોપ પરથી કોઈ નહીં નીચે ઉતારી શકે. ભારતની હવે છેલ્લી એક મેચ નેધરલેન્ડ સામે છે.

વર્લ્ડ કપ જીતવાનો ભારતનો મોટો ચાન્સ 
આ વખતનો વર્લ્ડ કપ ભારત જીતે તેવી પ્રબળ સંભાવના છે. એકધારું 8 મેચ જીતવી નાનીસુની વાત નથી. જો ભારતે આવીને આવી જીત મેળવવાનું ચાલું રાખ્યું તો તેને વર્લ્ડ કપ લેતા કોઈ નહીં રોકી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button