ગુજરાતતાપી

વિરપોર – પેલાડ બુહારીનો કોઝવે સતત ત્રીજા વર્ષે ધોવાઇ જતા 7 ગામને મુશ્કેલી

તંત્રએ ‘ રસ્તો બંધ છે’ ના બેનરો મારી હાથ ઉંચા કરી લીધા પરંતુ પ્રજા ક્યાં જાય ?

વાલોડ તાલુકાના વિરપોર – પેલાડ બુહારી ગામે પુર્ણા નદી પર વરસો અગાઉ બનાવેલો કોઝવે આ વખતે પણ પૂરના પાણીમાં બંને તરફથી ધોવાઇ જતા તંત્રએ રસ્તો બંધ છેના બેનરો લગાવી હાથ ઉંચા કરી લીધા છે. હવે પ્રજાને ક્યા જવું એ કોઇ કહેતું નથી. આ કોઝવે વિરપુર થી પેલાડ બુહારી, ગાંગપુર,ભાગલપુર, કમલાપુર, ઘાણી, બેડા રાયપુરા માટે ટૂંકો માર્ગ છે,અહીથી વિરપોર ગામના વિદ્યાર્થીઓ પેલાડ બુહારી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા માટે ચેકડેમ પરથી જાય છે.

રોજબરોજ વિદ્યાર્થીઓની જ સાથે લીજ્જત પાપડ કેન્દ્રમાં આવતી બહેનો, શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મજૂરો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ચોમાસા દરમિયાન આ ગામના લોકોએ પાંચથી સાત કિલોમીટર થી વધુ ફેરાવો ખાઈ પોતાના કામ અર્થ થઈ જાય છે.

છેલ્લા ત્રણ વર્ષથી ધોવાણ થતું હોય ગ્રામ પંચાયત દ્વારા ચોમાસા ગયા બાદ બંને છેડા ઉપર માટી પુરાણ કરી રસ્તો બનાવવામાં આવે છે જે પ્રથમ વરસાદે ધોવાઈ જતો હોવાનો લોકોનો આક્રોશ છે. 5 થી 6 ગામોને સ્પર્શતો પ્રશ્ન હોય અને 4000 થી 5000 ની વસ્તીને સ્પર્શતો પ્રશ્નને ઉકેલવામાં વહીવટીતંત્ર અને જન પ્રતિનિધિઓની ઉપેક્ષિત વલણને લોકારોષ જોવા મળી રહ્યો છે.

5000થી વધુ લોકો માટે ઉપયોગી માર્ગ બંધ થતાં 7 કિમીનો ચકરાવો
ધવલ પટેલ જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ ચેકડેમ પરથી પસાર થવું જોખમકારક હોવા છતાં લોકો ટૂંકો માર્ગ અપનાવી રહ્યા છે, વિદ્યાર્થીઓએ વિરપોર થી પેલાડ બુહારી સુધી જવા 5 થી 7 કી.મી. નો ફેરાવો ખાવો પડે છે, અથવા વાલીઓ ચેકડેમ પરથી વિદ્યાર્થીઓને સામે પાર મૂકી આવે છે, દર ચોમાસે આજ પરિસ્થિતિનું નિર્માણ થશે.

જીવના જોખમે પસાર થવું પડે છે
વાલોડના ભાલચંદ્રભાઇ પટેલના જણાવ્યા મુજબ તેઓની ખેતી વીરપુર હોવાથી રોજ ખેતરે ચારા માટે જવાનું હોવાથી તેમણે મોટો ચકરાવો ખાઈ ખેતરે આવવું પડે છે અથવા તો ચેકડેમ પરથી પરથી જીવના જોખમને ચાલતા પસાર થવું પડે છે.

રોજ શાળાએ જવામાં મુશ્કેલી
“મારાં બાળકોને શિક્ષણથી વંચિત રહી ન જાય એટલે દૈનિક કામ છોડીને પેલાડબુહારી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં મુકવા જવું પડે છે. ખરેખર આ કોઝવે ચેકડેમ બંને સાઈટ પર પુરાણ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો પંદર જેટલા નાના ભૂલકાઓને મુકવા માટે ચક્રાવો મારવો ન પડે અને રાહત થાય એમ છે. જયેશ પટેલ, વિરપોર

વિરપોર – પેલાડ બુહારી ગામે ચેકડેમ કમ કોઝવે ધોવાઇ જવાથી પાંચ ગામને હાલાકી
આ અંગે તાલુકા વિકાસ અધિકારી હર્દિપસિંહ ધરિયાએ જણાવ્યું હતું કે, “આ ચેકડેમ પાણી પુરવઠા વિભાગે બનાવી ગ્રામ પંચાયતને સુપ્રત કર્યો છે, ગ્રામ પંચાયતનાં આવકના સ્ત્રોત ઓછા હોય ચોમાસા બાદ જે કામગીરી કરાય છે તે પ્રથમ પૂરના પાણીમાં ધોવાઈ જાય છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button