માંડવી

માંડવી તાલુકાના વિસડાલીયા ગામે ‘વન સેતુ ચેતના યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું

વન રાજ્યમંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિ રહ્યા

સમગ્ર રાજ્યમાં તા.18મી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે યાત્રા તેના બીજા દિવસે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વીસડાલિયા ગામ ખાતે આવી પહોંચી હતી. જ્યાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિ સાથે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોથી આદિવાસી સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વન સેતુ ચેતના યાત્રા આદિવાસી સમાજમાં નવી ચેતનાનો સંચાર કરશે એમ રાજયના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

માંડવી તાલુકાના વીસડાલિયા ખાતે વન સેતુ યાત્રા અંતર્ગત યોજાયેલી જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે વન સેતુ ચેતના યાત્રાનો આશય સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આદિકાળથી વન સંરક્ષણ કરતા આવેલા આદિજાતિ સમાજ અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે સામંજસ્ય કેળવી સેતુ સ્થાપી શકાય એ માટે ઉમરગામથી અંબાજી સુધી 13 જિલ્લા અને 51 તાલુકામાંથી પસાર થશે એમ કહી તેમણે છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં 2100 હેક્ટર વિસ્તારમાં વાંસ સુધાર કામગીરી થકી રૂપિયા 85 લાખની આવક મેળવી છે એમ ઉમેર્યું હતું.

તાજેતરમાં સંપન્ન થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ભારત સરકારની વિકસિત ભારત યાત્રાનો મોદીની ગેરેંટીવાળો રથ તમે જોયો હતો એ માત્ર ગરેન્ટી નથી, પણ મોદીની ગેરેંટી એટલે ગેરેન્ટીની પણ ગેરંટી છે એમ જણાવ્યું હતું. કોઇપણ સમાજે વિકાસની નવી ઉંચાઈઓ આંબવી હશે તો શિક્ષણ વગર શક્ય નથી માટે આદિવાસી સમાજના પણ શિક્ષણ પ્રત્યે સજાગ બને એ સમયની માગ છે. એમ કહી તેમણે આદિવાસી સમાજના બાળકો ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ બને એ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે વિગતે છણાવટ કરી લાભ લેવા અનુરોધ કર્યો હતો.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિમ જૂથના કોટવાળીયા, કોલધા, કોલચા સહિત દેશભરની 75 જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલી રૂપિયા 24000 કરોડની પ્રધાનમંત્રી જન મન યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનાથી દેશભરની આદિમ જૂથ 75 જ્ઞાતિના 28 લાખ કુટુંબનો સર્વાંગી વિકાસ શક્ય બનશે એમ કહ્યું હતું.

આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓમાં પણ સૌથી વંચિત એવા આદિમજૂના લોકો માટે પીએમ જનધન યોજના અંતર્ગત 24 હજાર કરોડની બજેટ જોગવાઈ કરીને, સમાજના સર્વાંગીણ ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે, આદિવાસી દીકરા દીકરીઓને ડૉક્ટર, એન્જિનિયર જેવા ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું ફાળવ્યું છે. ખેડૂતોને સિંચાઇ માટે સોલર પમ્પ આપવામાં આવશે. ચાલુ વર્ષમાં યુવાનોને રોજગારી આપવા માટે જેસીબી, રોલર, હિટાચી અને સેન્ટિંગ કામના સાધનો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવીનીબેન પટેલ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ. ડી. સિંઘ, મુખ્ય વન સંરક્ષક સુરત ડૉ.કે. સશિકુમાર, નાયબ વન સંરક્ષક સુરત આનંદકુમાર, તાપીના નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પંચાયત સભ્ય અનિલભાઈ ચૌધરી, ગીતાબેન અગ્રણી દિનેશભાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ, વન અધિકારીઓ, વનકર્મીઓ, પોલીસના જવાનો, શાળાના બાળકો, ગ્રામજનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button