દેશરાજનીતિ

ભાજપના દિગ્ગજ નેતાએ મમતા બેનર્જી પર કરી આપત્તિજનક ટિપ્પણી, તૃણમૂલ ભડકી

મમતા બેનરજીએ ગોવા અને ત્રિપુરામાં આપેલા નિવેદન મુદ્દે ભાજપ નેતાએ કરી વાંધાજનક ટિપ્પણી તૃણમૂલે ભાજપ નેતાને મહિલા વિરોધી કહ્યા, કીર્તિ આઝાદે કહ્યું, ભાજપમાં નારી પ્રત્યે કોઈ સન્માન નથી

લોકસસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. ભાજપના નેતા દિલીપ ઘોષે તૃણમૂલના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આપત્તિજનક ટિપ્પણી કરી છે, તો સામે પક્ષે તૃણમૂલે પણ વળતો જવાબ આપ્યો છે. આ ઉપરાંત તૃણમૂલે ભાજપ નેતા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની પણ જાહેરાત કરી છે.

ભાજપ નેતાએ શું કહ્યું?

ભાજપ નેતા દિલીપ ઘોષે (Dilip Ghosh) કીર્તિ આઝાદ પર આપેલા નિવેદનમાં મમતા બેનર્જી (CM Mamata Banerjee)ને પણ જોડી દીધા હતા. તેમણે કહ્યું કે, ‘કીર્તિ આઝાદ દીદીનો હાથ પકડીને આવ્યા છે. તેમના પગ લડખડાઈ રહ્યા છે. આઝાદને પોતાના લોકો જ દૂર ધકેલી દેશે. તેમને બંગાળની પ્રજા ક્યારે ખદેડી નાખશે, તેનો અહેસાસ પણ નહીં થાય. બંગાળને પોતાનો ભત્રીજો જોઈએ.

ભાજપ નેતાએ મમતા પર સાધ્યું નિશાન

તેમણે વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી (મમતા બેનરજી)એ ગોવામાં કહ્યું હતું કે, હું ગોવાની પુત્રી છું અને ત્રિપુરામાં કહ્યું હતું કે, હું ત્રિપુરાની પુત્રી છું. વાસ્તવમાં તેમણે પહેલા નિર્ણય કરવો જોઈએ કે, તેમના પિતા કોણ છે? કોઈની પણ પુત્રી બનવું યોગ્ય નથી.

ભાજપ નેતાના નિવેદન બાદ તૃણમૂલ લાલઘૂમ

દિલીપ ઘોષે મમતા બેનરજી પર વાંધાજનક ટિપ્પણી કરતા તૃણમૂલે ઘોષને મહિલા વિરોધી કહ્યા છે. પાર્ટીની નેતા સુષ્મિતા દેવે કહ્યું કે, ભાજપ મહિલાઓને નફરત કરે છે. અમે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું. આ મામલે સુષ્મિતાએ રાષ્ટ્રીય મહિલા પંચને પણ આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે, મહિલા પંચ આ મામલે ચુપ કેમ છે?

ભાજપ નારી શક્તિનું અપમાન કરે છે : કીર્તિ આઝાદ

આ ઘટનાના વિવાદ વચ્ચે કીર્તિ આઝાદે કહ્યું કે, ‘આવા નિવેદનોના કારણે ભાજપની માનસિકતા ઉજાગર થઈ રહી છે. તેઓ નારી શક્તિનું અપમાન કરે છે. ભાજપના મનમાં નારી પ્રત્યે કોઈપણ સન્માન નથી. આ લોકો માતા કાળી, માતા દુર્ગાનું પણ સન્માન કરતા નથી. આ લોકો દીદીનું પણ સન્માન કરતા નથી. તેમનો બહિષ્કાર થવો જોઈએ. આ લોકોનું માનસિક સંતુલન બગડી ગયું છે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button