ભરૂચરાજનીતિ

ચૈતર વસાવા સામે અહમદ પટેલના વિસ્તારમાં જીતવાના કેવા પડકાર છે?

લાંબા સમયથી ચાલી રહેલી અસમંજસની પરિસ્થિતિ બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થઈ ચૂક્યું છે.

ઇન્ડિયા ગઠબંધન હેઠળ બંને પક્ષો ગુજરાત, દિલ્હી, હરિયાણા, ગોવા અને ચંદીગઢમાં સાથે મળીને ચૂંટણી લડશે.

ગુજરાતમાં બે બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. જોકે, બંને બેઠકો પર આમ આદમી પાર્ટીએ પહેલેથી જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા.

ભરૂચ બેઠક ચૈતર વસાવાને કારણે પહેલેથી જ ચર્ચામાં હતી એવામાં હવે ગઠબંધન થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

કૉંગ્રેસ તરફથી આ બેઠક પર પહેલેથી જ પોતાનો દાવો કરી રહેલા કૉંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલનાં નિવેદનોને કારણે આ બેઠક પર લોકોની નજર મંડાઈ છે.

ગઠબંધન જાહેર થયા બાદ શું તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપશે કે કેમ? અને નહીં આપે તો શું થશે? તે બાબતે રાજકીય પંડિતો અને લોકોમાં ગણતરી મંડાઈ ચૂકી છે.

ગઠબંધન બાદ આપના નેતાઓએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને હવે ભરૂચ બેઠકથી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર એવા ચૈતર વસાવાએ એક વીડિયોમાં જણાવ્યું હતું, “આજરોજ કૉંગ્રેસ અને આપનું ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ થયું છે અને ભરૂચ લોકસભા સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે, તેને અમે વધાવી લઈએ છીએ. આ માટે હું કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલ ગાંધીજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી તથા અહમદ પટેલસાહેબના પરિવારના મુમતાઝજી અને ફૈઝલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું.”

તેમણે કહ્યું કે, “અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે કૉંગ્રેસના તમામ સાથીઓને સાથે લઈને અને વિશ્વાસમાં લઈને આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું. આપણે ભરૂચ લોકસભા સીટ જીતીને અમે સ્વર્ગસ્થ અહમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપીશું.”

વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે, “ચૈતર વસાવાનું આ વિધાન બહુ સૂચક છે. તેમણે મુમતાઝ પટેલના વિરોધ સામે મુસ્લિમ સમાજની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.”

ચૈતર વસાવાએ કૉંગ્રેસની નેતાગીરીને પણ તેમની સ્વાભિમાન યાત્રામાં જોડાવા માટે હાકલ કરી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, “ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવીએ, એ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે. કૉંગ્રેસની 24 સીટો પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેશ બચાવવા માટે કામ કરશે.”

તેમણે વધુમાં કહ્યું, “અમે કૉંગ્રેસ પાસે પણ આશા રાખીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એ માટે આમ આદમી પાર્ટીને મદદ કરે અને ગઠબંધનની ફરજ નિભાવે. આપણે સાથે મળીને એવા પ્રયાસ કરવાના છે કે ભાજપ આ વખતે 26માંથી 26 સીટો ન જીતી શકે.”

મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે શું કહ્યું?

કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતા પોતાની નારાજગી વ્યકત કરી છે.

તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, “હું અને પાર્ટીના કાર્યકર્તાઓ આ નિર્ણયથી ખુશ નથી. જોકે, હાઈકમાન્ડ કહેશે કે આ નિર્ણય લોકશાહી માટે જરૂરી છે તો અમે હાઈકમાન્ડને સમર્થન આપીશું.”

ફૈઝલે એએનઆઈને કહ્યું હતું કે, “હું હાઈકમાન્ડ સાથે ફરીથી વાત કરીશ. નોમિનેશન અને ચૂંટણી માટે હજુ ઘણો સમય છે અને મને આશા છે કે ભરૂચની બેઠક કૉંગ્રેસને મળશે.”

ફૈઝલે ઉમેર્યું હતું કે ગાંધી પરિવાર મારો પણ પરિવાર છે. મને તેમના પર પૂરો ભરોસો છે કે તેઓ પટેલ પરિવારને આ બેઠક માટે જે લગાવ છે તે જરૂર સમજશે.

બીજી તરફ અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું, “હું જિલ્લાના કાર્યકર્તાઓની ક્ષમાપ્રાર્થી છું, કારણ કે અમે ભરૂચની બેઠક ન મેળવી શક્યાં. તમારી વેદનાને પણ હું સમજુ છું. આપણે સાથે મળીને કૉંગ્રેસને મજબૂત કરીશું અને અહેમદ પટેલનાં 45 વર્ષના રાજકીય વારસાને એળે નહીં જવા દઈએ.”

જોકે, ગઠબંધનના એલાન પહેલા જ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગઠબંધન બાબતે હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તેનો સ્વીકાર કરવામાં આવશે અને કૉંગ્રેસનો કાર્યકર્તા તેને અનુસરશે.

ભાજપ પણ થયો આપ અને કૉગ્રેસ પર આક્રમક

આ વિશે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું, “જ્યારે અહમદ પટેલને એક શક્તિશાળી નેતા તરીકે માનવામાં આવતા ત્યારે પણ તેઓ ભરૂચની બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા. જે ચૈતર વસાવાની ઉમેદવારીને લઈને લોકો ઉત્સાહિત છે તેમણે તેનું પર્ફૉર્મન્સ પણ જોવું જોઈએ. ભરૂચ લોકસભાની અંદર આવતી સાત વિધાનસભા સીટોમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટીની ડિપૉઝિટ જપ્ત થઈ હતી. ભાજપે સાતમાંથી છ સીટો પર જીત મેળવી હતી.”

તેમણે આડકતરી રીતે ગઠબંધન બદલ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આંધળા-લંગડાની જોડી ગણાવી હતી.

ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “જે પાર્ટીઓને ગુજરાતની પ્રજાએ વારંવાર નકારી કાઢી છે, જેમની ખરાબ હાર થઈ છે તેમનું આ ગઠબંધન છે. આ માત્ર ને માત્ર તકવાદી ગઠબંધન છે.”

ભરૂચ બેઠકનું ગણિત

40 ટકાથી વધુ મુસ્લિમ મત ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર 1957થી 1984 સુધી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે અને ત્યારબાદ 1989થી 2019 સુધી ભાજપ ખૂબ સારા મતોથી કૉંગ્રેસની સામે જીતતો આવ્યો છે.

જો છેલ્લી 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાને 55.47 ટકા મતો મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા મતો મળ્યા હતા.

આ બેઠક પર 1989 સુધી માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે. જોકે ત્યારબાદ છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી આવતા ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો.

ભરૂચ લોકસભાની બેઠક પર 14 લાખ જેટલા મતદારો છે, જેમાં 7.34 લાખ પુરુષ મતદારો અને 6.82 લાખ મહિલા મતદારો હતાં. ભરૂચ લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા બેઠકો છે, જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ સામેલ છે. હાલમાં ડેડિયાપાડા સિવાય તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા 2022માં ચૂંટણી જીત્યા હતા.

જોકે ભરૂચ વિધાનસભા ઉપરાંત તમામ બેઠકો પર આપ ત્રીજા સ્થાને છે, જ્યારે ભાજપ ખૂબ મજબૂત રીતે પ્રથમ સ્થાન પર છે અને બીજા સ્થાને કૉંગ્રેસ છે.

જો આપને મળેલા વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભરૂચમાં આપને કુલ મતદાનમાંથી 8.45 ટકા મત મળ્યા હતા, જ્યારે કરજણમાં 4.3 ટકા, ડેડિયાપાડામાં 55.87 ટકા, જંબુસરમાં 2.08 ટકા, વાગરામાં નોટા કરતા પણ ઓછા 1.2 ટકા મત મળ્યા હતા, ઝગડિયામાં 9.99 ટકા અને અંકલેશ્વરમાં 3.33 ટકા મત મળ્યા હતા.

‘ધબકાર’ દૈનિકના તંત્રી અને દક્ષિણ ગુજરાતના રાજકારણ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર નરેશ વારિયા કહે છે, “અત્યાર સુધી કૉંગ્રેસ અહમદ પટેલ પછી પણ આ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપતી રહી છે, પરંતુ તે આ બેઠક જીતી શકી નથી. કૉંગ્રેસને એ વાતનો ખ્યાલ છે કે જો આદિવાસી અને મુસ્લિમ મતોનો સરવાળો થાય તો તેની જીતવાની સંભાવના વધી જાય. વળી, મુસ્લિમ મતદારોને પણ એ વાતનો ખ્યાલ છે કે તેમનો ઉમેદવાર અહીં જીતી શકતો નથી. આ પરિબળોને કારણે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના ફાળે બેઠક ગઈ હોય તેવું મને લાગે છે.”

ભરૂચ બેઠકના મતદારો

ભરૂચ સીટ ગુજરાતની એક અનોખી બેઠક છે, જેમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે.

અગાઉ અમારી સાથે રાજકીય વિશ્લેષક અને સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ વાત કરી હતી. તેમના કહેવા પ્રમાણે, ભરૂચનો પૂર્વ ખૂણો આદિવાસી મતદારોથી, તો પશ્ચિમ ખૂણો મોલેસલામ ગરાસિયા સમુદાયોથી ભરેલો છે અને આ બન્ને મતદારો એક સમયે કૉંગ્રેસના મતદારો હતા. જે દિવસે ભાજપનો સારો પર્યાય મળે તે દિવસે આ બન્ને પ્રકારના મતદારો ફરી શકે તેવી શક્યતા છે.

તેઓ કહે છે કે, “આપ અને કૉંગ્રેસના ગઠબંધન હેઠળ અને ચૈતર વસાવાને આ કેસને કારણે જે લોકચાહના મળી છે, તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હું માનું છું કે પૂરેપૂરી શક્યતા છે કે ભરૂચ સીટ પર ભાજપ નહીં જીતી શકે.”

અગાઉ અમારી સાથે વાતચીત કરતાં રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર ડૉ. હરિ દેસાઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ ‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ લડે અને ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી સંયુક્ત ઉમેદવાર બને તો તેમની જીત નિશ્ચિત છે.

એટલે કે તેમના મત અનુસાર કૉંગ્રેસ-આપ ગઠબંધન કરે તેવી પરિસ્થિતિમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી શકે નહીં.

કૉંગ્રેસના નેતાઓ સમર્થન નહીં આપે તો શું થશે?

ગઠબંધન જાહેર થયા પછી કૉંગ્રેસના નેતાઓનાં નિવેદનો જોઈને એવું લાગે છે કે પક્ષમાં અંદરખાનેથી ગઠબંધન વિશે એકમત નથી.

નરેશ વરિયા કહે છે, “ભરૂચ બેઠકનું પરિણામ શું આવશે તેનો મદાર બીજાં ઘણાં પરિબળો પર રહેલો છે. જેમ કે મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ અપક્ષ લડે છે કે કેમ? શું તેઓ કોઈ બીજા પક્ષમાંથી લડશે? શું આ બેઠક પર મતો તોડવા માટે અન્ય કોઈ મુસ્લિમ ઉમેદવાર ઊભો કરવામાં આવશે? શું મનસુખ વસાવાને ફરી એકવાર ભાજપ ટિકિટ આપશે? ભાજપ તેમને ટિકિટ નહીં આપે તો શું મનસુખ વસાવા નિષ્ક્રિય થઈ જશે? તેમને ટિકિટ નહીં અપાય તો આદિવાસી મતો ચૈતર વસાવા તરફ વળશે કે કેમ?”

“વળી, આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ઘણીવાર હિન્દુત્વ તરફી લાગે છે. તેઓ રામમંદિર અને હનુમાનચાલીસા જેવા મુદ્દાઓ ઉઠાવે છે. આવી પરિસ્થિતિમાં ભરૂચ બેઠકના મુસ્લિમ મતદારો તેમને મત કેટલા પ્રમાણમાં આપે છે તે પણ જોવું રહ્યું.”

તેઓ કહે છે, “મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલની અહમદ પટેલ જેટલી મતદારો પર પકડ નથી. તેઓ અત્યાર સુધીમાં રાજકારણમાં સક્રિય રહ્યાં નથી. તેઓ નારાજ થાય કે ચૂંટણી સુધી નારાજ જ રહે તેમ છતાં પણ તેનાથી ચૈતર વસાવાને મોટું નુકસાન થવાનું નથી. કારણ કે કૉંગ્રેસ પક્ષમાં જ તેઓ એટલાં સક્રિય નથી કે તેમની પકડ નથી કે તેઓ મોટું નુકસાન કરી શકે.”

લોકસભાની ચૂંટણી વિશે વાત કરતા તેઓ કહે છે, “કૉંગ્રેસનો રાષ્ટ્રીય સ્તરે ગઠબંધનનો આ પહેલો વ્યાપક પ્રયાસ છે અને આમ આદમી પાર્ટી સાથે પણ આ પહેલો મોટો પ્રયાસ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં જે કાયમ એકતરફી માહોલ રહેતો હતો એ હવે નહીં રહે અને ભાજપને સરવાળે વધુ મહેનત કરવી પડશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button