દેશ

ખેડૂતોની જેની માંગ કરી રહ્યા છે એ સ્વામીનાથન કમિશનના રિપોર્ટમાં શું છે?

આંદોલનકારી ખેડૂતોએ પહેલી રાતની જેમ જ બીજી રાત પણ હરિયાણા પંજાબ વચ્ચે શંભુ બૉર્ડર પર જ વિતાવી.

સરકારે ચર્ચા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. પણ ખેડૂતોનું કહેવું છે કે કોઈ પણ નક્કર પહેલ વગર ચર્ચાનાં કોઈ પરિણામો નહીં આવે.

પહેલા દિવસની જેમ બીજા દિવસ પણ સુરક્ષા જવાનો સાથે ઘર્ષણની સ્થિતિ નહોતી.

બુધવારે ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમને વિખેરવા માટે સુરક્ષાબળોએ બળપ્રયોગ કર્યો હતો અને આંસુગૅસના શેલ્સ છોડ્યા હતા.

ખેડૂતોની માંગણીઓમાં સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની રજૂઆત મુખ્ય છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની કોઈ માંગ નથી, પરંતુ તેઓ સરકારો દ્વારા ભૂતકાળમાં આપવામાં આવેલા વાયદાઓને પાળવા માટે કહી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચેની ચંદીગઢમાં યોજાયેલી બેઠકમાં કોઈ ઉકેલ નહોતો આવ્યો. ખેડૂત જૂથોએ શુક્રવારે ‘દેશવ્યાપી ગ્રામીણ બંધ અને ઔદ્યોગિક હડતાલ’નો કોલ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિલક્ષી કાયદાનો રસ્તા પર ઊતરીને વિરોધ કર્યો હતો. ત્યારે પણ ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી અને પાટનગરની સીમાઓ પર ડેરાતંબુ તાણ્યા હતા. એ પછી કેન્દ્ર સરકારે ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા હતા અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા તેની જાહેરાત કરી હતી.

સ્વામીનાથન કમિશન શું છે?

મે-2004માં 14મી લોકસભાના ગઠન માટેના ચૂંટણીનાં પરિણામો આવ્યાં, જેમાં કૉંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનનો વિજય થયો હતો. કૉંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં (પેજ નંબર 17-18) પર ખેડૂતોની આવક વધરાવા અને બજારોને ખુલ્લા કરવા અંગે વાયદા કર્યા હતા.

રાજદ, ડીએમકે, એનસીપી, પીડીપી, લોજપ સાથે ચૂંટણી પૂર્વેનું ગઠબંધન હતું. ચૂંટણી પછી ડાબેરી પક્ષોનો પણ ટેકો મળ્યો હતો. ત્યારે છ મુખ્ય બાબતો ઉપર સહમતિ સધાઈ હતી અને તેના માટે ‘કૉમન મિનીમમ’ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સમાજના અન્ય વર્ગોની સાથે કૃષક ઉપરાંત ખેતમજૂરોની સ્થિતિ સુધરે તે માટેનાં પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ ક્રમમાં જ પ્રો. એમ. એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં આઠ સભ્યોના કમિશનનું ગઠન કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વમાં દેશે ઘઉં-ચોખાનું ઊંચું ઉત્પાદન આપતી અનેક જાતો વિકસાવી હતી અને દેશને ખાદ્યાન્ન બાબતમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત થઈ હતી. આથી, તેમને ભારતમાં ‘હરિતક્રાંતિના જનક’ તરીકે ઓળખવામાં આવે છે.

79 વર્ષની જઈફ વયે તેમણે નિષ્ઠાપૂર્વક પોતાનું કામ શરૂ કર્યું અને ડિસેમ્બર-2004માં ‘ Serving Farmers and Saving Farming’ના શીર્ષક હેઠળ પહેલો અહેવાલ રજૂ કર્યો. જેમાં કૃષિઆવકને ઘટતી અટકાવવા તથા ખેડૂતોને દેવાના ભાર તળેથી મુક્ત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ભલામણો કરવામાં આવી હતી.

ઑગસ્ટ-2005માં કમિશને ‘સંકટથી આત્મવિશ્વાસ’ તરફ લઈ જવા માટેનાં પગલાં પર ભલામણો કરી હતી, જેનો હેતુ કૃષિસંકટને જાહેરખર્ચ અને વહીવટી પગલાં દ્વારા કેવી રીતે અટકાવવો તેના માટે સૂચનો કરવામાં આવ્યા હતા. તેમાં કૃષિધિરાણને સુલભ બનાવવા તથા રાજ્યસ્તરે કૃષિપંચો નીમવાની અને ખેડૂતોની આત્મહત્યાઓને નોંધવાની હિમાયત કરવામાં આવી હતી.

આ પગલાંનો ‘તાત્કાલિક અમલ’ કરીને વર્ષ 2012માં 11મી પંચવર્ષીય યોજના પૂર્ણ ન થાય ત્યાર સુધી તેને ચાલુ રાખવા સૂચન કર્યું હતું.

ડિસેમ્બર-2005માં કમિશને તેનો ત્રીજો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. જેમાં વર્ષ 2006- ’07 કૃષિ પુનરોત્થાન તરીકે જાહેર કરવાનું સૂચન કર્યું હતું. જેમાં કુદરતને હાનિ ન થાય તે રીતે ઉત્પાદકતા અને નફાકારકતા વધે તે માટેના સૂચન કરવામાં આવ્યાં હતાં. કમિશને પંજાબ અને મહારાષ્ટ્રની ફિલ્ડ વિઝિટ કરી હતી, જેનાં અવલોકનો મૂક્યાં હતાં.

ચાર મહિનામાં જ એપ્રિલ-2004માં કમિશને ચોથો અહેવાલ સુપ્રત કર્યો હતો. જે ખેડૂતો માટેની રાષ્ટ્રીય નીતિનો મુસદ્દો હતો. તેમાં કૃષિ ઉત્પાદનપ્રક્રિયા દરમિયાન ખેડૂતોને ‘માનવીય તત્ત્વ’ તરીકે જોવાની હિમાયત કરવામાં આવી. આ સિવાય ખાદ્યાન્ન કે કૃષિપેદાશોના ઉત્પાદનને આધારે જ ખેતીક્ષેત્રના વિકાસને માપવાના વિચારને નકારવામાં આવ્યો.

ઑક્ટોબર-2006માં કમિશને રાષ્ટ્રીય કૃષિનીતિનો સુધારેલો મુસદ્દો રજૂ કર્યો અને બે ખંડમાં પોતાની ભલામણો રજૂ કરી. જે કમિશનના અંતિમ અહેવાલ હતા.

શું છે એમએસપી?

લઘુતમ સમર્થન મૂલ્ય કે ટેકાના ભાવો કે મિનિમમ સપૉર્ટ પ્રાઇઝ (એમએસપી) એટલે એ ભાવો કે જે ચૂકવીને સરકાર દ્વારા ‘સરેરાશ સારી ગુણવતા’ની કૃષિપેદાશોની ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવે છે.

કમિશન ફૉર ઍગ્રિકલ્ચર કૉસ્ટ્સ ઍન્ડ પ્રાઇસિસ દ્વારા રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનાં અલગ-અલગ મંત્રાલયો સાથે પરામર્શ કરીને આ ભાવો નક્કી કરવામાં આવે છે. ફેબ્રુઆરી-2024ની સ્થિતિ પ્રમાણે આ યાદી હેઠળ 14 ખરીફ પાક, છ રવીપાક તથા બે અન્ય કૃષિઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે.

આ યાદીમાં ચોખા, જુવાર, બાજરો, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, સૂરજમુખી, તલ, સોયાબીન અને કાળા તલ ખરીદવામાં આવે છે. રવીપાકમાં ઘઉં, જવ,ચણા, મસૂરની દાળ, એરંડા, કુસુમની ખરીદી કરવામાં આવે છે. આ સિવાય કોપરા અને શણની ખરીદી થાય છે. ઘણી વખત છોલેલાં નાળિયેર પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે.

આ ભાવો નક્કી કરતી વેળાએ કમિશન દ્વારા ઉત્પાદનખર્ચ સિવાય, માંગ અને પુરવઠાની સ્થિતિ, દેશ-વિદેશમાં ભાવો અને તેનાં વલણ, અન્ય પાકો સાથે ભાવ-સમાનતા, કૃષિ અને બિન કૃષિક્ષેત્ર વચ્ચે વેપારની સ્થિતિ, એમએસપીને કારણે ગ્રાહકોને થનારી અસર અને સર્વાંગી અર્થતંત્રની સ્થિતિને ધ્યાને લેવામાં આવે છે.

ઘઉં-ચોખાની ખરીદી કેન્દ્ર સરકારના ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઈ) તથા રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા ખરીદવામાં આવે છે, જેના માટે સમય અને જથ્થો પૂર્વનિર્ધારિત કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા’ હેઠળ ગરીબોને ભોજન મળી રહે તે માટે તથા અન્ય સામાજિક કલ્યાણની યોજનાઓ માટે ઘઉં-ચોખા ખરીદવામાં આવે છે.

આ સિવાય આંતરિક કે બાહ્યા આપદાના સંજોગોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનાજનો સંગ્રહ કરી રાખવામાં આવે છે.

મોદી સરકારે વર્ષ 2028 સુધી નિઃશુલ્ક અનાજ આપવાની જાહેરાત કરી છે, જેની ખરીદી પણ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે છે. જ્યારે કપાસની ખરીદી કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અને શણની ખરીદી જૂટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.

વર્ષ 2007માં રાષ્ટ્રીય કૃષિનીતિ ઘડવામાં આવી ત્યારે સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ પડતરકિંમત પર 50 ટકા નફો મળે તે રીતે ટેકાના ભાવો નક્કી કરવાની બાબતનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો.

નરેન્દ્ર મોદી સરકારના કૃષિમંત્રી અર્જુન મુંડાએ લોકસભાના ચાલુ સત્ર દરમિયાન એક સવાલના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે નક્કી કરેલી 22 ખેતપેદાશના લઘુતમ ટેકાના ભાવ રાષ્ટ્રીય સરેરાશ પડતરકિંમતની ઉપર 50 ટકા નફા મુજબ ખરીદવામાં આવે છે.

મુંડાએ જણાવ્યું હતું કે વર્ષ 2014- ’15 દરમિયાન લગભગ સાતસો 61 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નની ખરીદી કરવામાં આવી હતી અને વર્ષ 2022- ’23 દરમિયાન આ આંકડો વધીને લગભગ એક હજાર 63 લાખ મેટ્રિક ટન પર પહોંચી ગયો હતો, જેનો સીધો લાભ દેશના એક કરોડ 60 લાખ જેટલા ખેડૂત પરિવારોને થયો હતો.

વર્ષ 2014- ’15 દરમિયાન એક લાખ છ હજાર કરોડના ખાદ્યાન્નની ખરીદી કરવામાં આવી હતી અને વર્ષ 2022- ’23 દરમિયાન રૂ. બે લાખ 28 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

સ્વામીનાથન કમિશનની ભલામણો

સરકાર અલગ-અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન આપનારા 12 લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. આ ક્વૉટા હેઠળ જ વર્ષ 2007માં તેમને સંસદના ઉપલાગૃહમાં મોકલવામાં આવ્યા હતા.

આજે પણ દેશના ખેડૂતોની સ્થિતિ સુધારવાની ચર્ચા થાય ત્યારે સ્વામીનાથન કમિશનના રિપોર્ટ અને તેની ભલામણોની અચૂક ચર્ચા થાય છે.

સ્વામીનાથન કમિટીની જે ભલામણની સૌથી વધુ ચર્ચા થાય છે તે છે ‘સી 2 પ્લસ 50 ટકા.’ મતલબ કે ખેડૂતોની પડતરકિંમત ઉપર 50 ટકા નફો આપવો.

ખેડૂતોનું કહેવું છે કે હાલની વ્યવસ્થામાં પડતરકિંમત નક્કી કરતી વખતે મજૂરી ગણવામાં નથી આવતી, જે ગણાવી જોઈએ. આ સિવાયની અન્ય ભલામણો મુજબ :

  • ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ ઓછા ભાવે પૂરા પાડવા
  • ખેડૂતોને મદદ માટે વિલેજ નૉલેજ સેન્ટર કે જ્ઞાન ચોરા ઊભા કરવા
  • મહિલા ખેડૂતોને કિસાન ક્રૅડિટ કાર્ડ આપવામાં આવે
  • ખેડૂતોને માટે કૃષિ જોખમ ફંડ ઊભું કરવામાં આવે, જેથી કરીને કુદરતી આપત્તિ વખતે ખેડૂતોને મદદ મળી રહે
  • વધારાની અને નહીં વપરાતી જમીનોના ભાગ પાડી તેનું વિતરણ કરવામાં આવે
  • પાકવીમાને દેશભરમાં દરેક પાક માટે લાગુ કરવામાં આવે
  • ખેતીલાયક જમીન તથા વનભૂમિને બિનખેતી હેતુસર કૉર્પોરેટજગતને આપવામાં ન આવે
  • ખેતધિરાણની વ્યવસ્થા દેશભરના ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી પહોંચે
  • સરકારની મદદથી ખેડૂતોને આપવામાં આવતું ધિરાણ ઘટાડીને ચાર ટકા સુધી લાવવું
  • કુદરતી આપદા કે સંકટથી ઝઝૂમી રહેલા ખેડૂતોને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાર સુધી ધિરાણ વસૂલાતમાં રાહત આપવો.

ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળેલા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રમાં પાર્ટીની સરકાર આવ્યે લઘુતમ ટેકાના ભાવોની ગૅરંટી આપવાની જાહેરાત કરી હતી, સાથે જ સુરક્ષાબળોની કાર્યવાહીમાં ઘાયલ થયેલા ખેડૂતો સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.

ખેડૂતોની અન્ય માંગો

સ્વામીનાથન કમિશને કરેલી ભલામણોને લાગુ કરવા ઉપરાંત પણ ખેડૂતોની કેટલીક માંગણીઓ છે. સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા જગજિતસિંહ દલ્લેવાલે માંગણીઓ રજૂ કરી હતી, જે મુજબ :

  • એ સમયે સરકાર લઘુતમ સમર્થન મૂલ્યની ગૅરંટીનું વચન આપ્યું હતું, જેનું પાલન થાય
  • ગત આંદોલન સમયે જે ખેડૂતો સામે કેસ દાખલ થયા હતા, તે પાછા ખેંચવામાં આવે
  • ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મૃત ખેડૂતોના પરિવારજનોને સરકારી નોકરી તથા ઈજાગ્રસ્તોને રૂ. 10-10 લાખના વચનનું પાલન થાય
  • પરાળ બાળવા મુદ્દે પ્રદૂષણ ફેલાવવા સંબંધિત કાયદામાંથી ખેડૂતોને બકાત રાખવામાં આવે
  • ખેડૂતોના સંપૂર્ણ દેવાને સરકાર દ્વારા માફ કરવામાં આવે
  • કૃષકો તથા ખેતમજૂરોને પેન્શન આપવામાં આવે
  • વીજ સંશોધન વિધેયક 2020ને નિરસ્ત કરવામાં આવે
  • મનરેગા હેઠળ 200 દિવસ કામ આપવું અને રૂ. 700 મજૂરી આપવી

સપ્ટેમ્બર-2023માં સ્વામીનાથનનું અવસાન થયું હતું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ આપવાની જાહેરાત કરી છે.

દલ્લેવાલનું કહેવું છે કે ‘એ વિડંબના જ છે કે સરકારે તેમને ભારતરત્ન આપ્યો છે, પરંતુ તેમના કમિશનનો જ રિપોર્ટ લાગુ નથી કરતી. તેમણે કૃષિનું ઔદ્યોગિકીકરણ ન કરવાની હિમયાત કરી હતી પણ સરકાર એ સલાહને નથી અનુસરી રહી.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button