નર્મદારાજનીતિ

ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના આરોપનો સમગ્ર મામલો શું છે?

ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં છે.


ચૈતર વસાવા સામે એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. એક અઠવાડિયા પહેલાં તેમની સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા છે.

પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી રહી છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ચૈતર વસાવા ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમનાં પત્ની સહિત ચૈતર વસાવાસના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી, વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાંડમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદને આમ આદમી પાર્ટીએ રાજકીય ષડ્યંત્ર ગણાવી રહી છે. જ્યારે સત્તાપક્ષે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર ફરિયાદ શું છે તે અંગે નર્મદા જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ પ્રશાંત સુંબેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં 29 ઑકટોબરે વનવિભાગના કેટલાક કર્મચારીઓ તરફથી વનવિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરીને ખેતી કરવામાં આવતી હતી જેને દૂર કરવામાં આવી હતી.”

“આ અંગે વાત કરવા માટે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનનિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવ્યા હતા.”

“વનવિભાગના કર્મચારીઓ એમના ઘરે ગયા હતા ત્યારે તેમની સાથે બોલાચાલી કરી તેમજ મારપીટ કરી હતી. ખેડૂતોને પૈસા આપવાનું કહ્યું હતું.”

“પૈસા નહીં આપવામાં આવે તો તમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. એક વેપન (હથિયાર)થી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માગણી કરવામાં આવી હતી.”

“જેથી વનવિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા ત્યાર બાદ વનવિભાગના અધિકારીઓ આ પૂરો મામલો આમારી સામે લાવ્યા હતા.”

રાજ્ય સરકાર તરફથી વનવિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. આ મુદ્દે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ જેમાં ધારાસભ્યના પીએ, તેમનાં પત્ની તેમજ એક બીજા ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.

એસપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, “આ કેસમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ થઈ છે. બાકીના લોકો ફરાર છે.”

“ધારાસભ્ય સહિત અન્ય આરોપીઓને પકડવા માટે અમે અલગઅલગ પાંચથી છ ટીમ બનાવીને શોધી રહ્યા છીએ. આ ઉપરાંત વન વિસ્તારમાં અમે કૉમ્બિંગ કરી રહ્યા છીએ તેમજ બહારના વિસ્તારમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓને શોધી રહ્યા છીએ.”

આ ફરિયાદમાં આરોપીઓ પર અભદ્ર ગાળો બોલવાનો તથા ફરિયાદીને ગાલ પર લાફા મારવાનો પણ આરોપ છે.

ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને એક લાઇનમાં ઊભા રાખીને પોતાની પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યા હોવાનો પણ આરોપ છે.

તેમની પર વનવિભાગના કર્મચારીઓને ધાકધમકી આપવાનો પણ આરોપ છે.

સમગ્ર કેસમાં 29 ઑક્ટોબરના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની શકુંતલાબહેન, ડુંગર ભાંગડાભાઈ વસાવાની બે દીકરીઓ, રમેશભાઈ વસાવા, રમેશભાઈનાં પત્ની અને બે અજાણ્યા શખ્સો, ધારાસભ્યના પીએ સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294 (ખ), 506(2), 34 તથા હથિયાર ધારો 25 (એ)1 મુજબ ફરિયાદ નોંધાઈ છે.

ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. જ્યારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિતના અન્ય આરોપી હજી ફરાર છે.

ફરિયાદો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના તરફથી જવાબ મળ્યો નથી.

રાજકીય આરોપો અને પ્રત્યારોપો

આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમ થયું છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર ચૈતર વસાવા સામે ખોટો કેસ કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે.

આપે ભાજપ પર ચૈતર વસાવાને પરેશાન કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મોટા નેતા ચૈતર વસાવા પર અને તેમનાં પત્ની પર ભાજપે ખોટા કેસ કરાવ્યો અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.”

તેમણે કહ્યું કે ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદના વિરોધમાં આમ આદમી પાર્ટીના હજારો આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનો ભેગા થવાના હતા પરંતુ મંજૂરી મળી નહોતી.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “લોકશાહીમાં ધરણાં, પ્રદર્શન અને વિરોધ કરવાનો લોકોનો અધિકાર છે અને અંગ્રેજોના સમયમાં પણ આ અધિકાર મળતો હતો.”

તેઓ વધુમાં જણાવ્યું હતું કે “નકલી આઈપીએસ, પીએમઓ અને સીએમઓ અધિકારીઓ પકડાય છે. રાજ્યમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે. કારણ કે, પોલીસ વિભાગ વિપક્ષના કાર્યક્રમોને રોકવામાં જ લાગેલો હોય છે.”

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ વાત કરતા જણાવ્યું હતું કે, “આ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કર્યું હોવાથી આ ખેડૂતો પણ ચૈતરભાઈ પાસે આવ્યા હતા. આ મુદ્દે બને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. પેસા ઍક્ટમાં જંગલમાં ગ્રામસભાને પાવર છે. પેસા ઍક્ટ સંસદમાં વર્ષ 2006માં પસાર કરવામાં આવ્યો છે તેમજ વર્ષ 2008થી તેની અમલવારી કરવામાં આવી છે. આ ખેડૂતને વર્ષ 2009માં સનદ મળેલી છે.”

પેસા ઍક્ટ અથવા PESA (એટલે પંચાયત ઍક્સ્ટેંશન ટુ ધ શૅડ્યૂલ્ડ એરિયાઝ) ઍક્ટમાં બંધારણની અનુસૂચિ-5 પ્રમાણે જાહેર કરેલા આદિવાસી વિસ્તારોની ગ્રામપંચાયતો અને ગ્રામસભાને ખાસ સત્તા આપવામાં આવે છે. જેથી તે ગ્રામપંચાયત કે સભા અદિવાસી સમુદાયોની સંસ્કૃતિ અને આદિવાસી વિસ્તારોની પ્રાકૃતિક સંપદાની માવજત કરી શકે.

રાજેન્દ્ર વસાવાએ આરોપ લગાવ્યો કે, “ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે દબાણ લાવીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડેડિયાપાડા લોકસભાની બેઠક ચૈતર વસાવા જીતી જવાના છે. તેઓની ખ્યાતિ દિવસે દિવસે વધી રહી છે.”

“જેથી ડરી ગયેલો ભાજપ જાણીજોઈને હેરાન કરે છે. ચૈતરભાઈના સપોર્ટમાં ડેડિયાપાડામાં વેપારી મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેમજ ડેડિયાપાડા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું.”

“અમારા કોઈ કાર્યકર્તા બંધ કરાવવા માટે ગયા ન હતા. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. અમે ધરણાં માટેની પરવાનગી માગી હતી પરંતુ પોલીસે તે ન આપી. તેમજ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.”

“અમારી રજૂઆત છે કે, ખેડૂતોને થયેલા નુકસાન બદલ ખેડૂતોની પણ ફરિયાદ લેવામાં આવે. અમે ભારતીય નાગરિક છીએ. અમને થયેલા અન્યાય બદલ ભારતીય કાયદા મુજબ અમે ફરિયાદ નોંધાવી શકીએ છીએ.

રાજેન્દ્ર વસાવાએ ખેડૂતોની ફરિયાદ લેવામાં નહીં આવી રહી હોવાની તેમજ ચૈતરભાઈ સામે કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચવાની માગ કરી હતી.

ચૈતર વસાવા સામે ફરિયાદ પર રાજકારણ?

વાંસદા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. તેમણે ચૈતર વસાવા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

અનંત પટેલએ આ પત્રમાં લખ્યું હતું કે, “આ આખી ઘટના એવી છે કે, જંગલ વિભાગ જેઓને જમીન માલિકીની સનદ ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ અંતર્ગત આપી છે. એવા ખેડૂતોની જમીનમાં ઊભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો હતો.”

“વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આવી હતી. ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો હતો.”

“સમાધાન રૂપે રાજીખુશીથી નક્કી થયું કે, જંગલ વિભાગના કમર્ચારીઓએ શરતચૂક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકસાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાયદાકીય પગલાં નહીં ભરે.”

“જંગલ વિભાગના કર્મચારીઓ નુકસાનની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી હતી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું હતું.”

તેમણે વનવભાગના કર્મચારીઓએ દબાણમાં આવીને ફરિયાદ નોંધાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ અંગે પત્રમાં વધુ જણાવ્યું છે કે, ” આ મામલો પૂર્ણ થયા બાદ પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગરૂપે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે રકમ સહમતીથી નુકસાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલી ‘ખંડણી’ તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી હતી.”

તેમણે દાવો કર્યો છે કે આ સમગ્ર મામલે ચૈતર વસાવા લોકપ્રતિનિધિ તરીકે સક્રિય હતા. તેમણે આ સમગ્ર મામલાને કથિત રીતે ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાની સક્રિયતાને કરાણે નાના મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાવાની સાથે જોડ્યો હતો.

પત્રમાં અનંત પટેલે મુખ્ય મંત્રીને આ મામલે તાત્કાલિક દખલગીરી કરવાની વિનંતી કરી હતી. તેમણે મામલાની ન્યાયિક તપાસ કરાવાય ત્યાં સુધી ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી હતી.

ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે : મનસુખ વસાવા

ચૈતર વસાવા સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદ મામલે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના નેતા અનંત પટેલે આરોપો કર્યા છે, તો ભાજપના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વાત કરતા જણાવ્યું હતું કે, “ચૈતરભાઈ વસાવાના ગામના લોકો જંગલ ખાતાની જમીન ગેરકાયદેસર ખેડતા હતા. જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા તેઓને આ જંગલની જમીન પર ખેતી કરવા અંગે વારંવાર ના પાડવામાં આવી હતી. તેમ છતાં, ખેડૂત દ્વારા ત્યાં કપાસ વાવી દેવામાં આવ્યો હતો.”

“આ બાબત વનકર્મીઓના ધ્યાનમાં આવતા તેઓએ કહ્યું હતું કે જો વિભાગનું ચેકિંગ આવશે અને આ જંગલ ખાતાની જમીન પર કપાસ ઊભો થઈ ગયો હોવાની જાણ થશે, તો અમારી નોકરી જોખમમાં મુકાશે. જેથી તેમણે ગેરકાયદેસર રીતે ઉગાડેલો કપાસ થોડો ઉખાડ્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું, “ત્યારબાદ આ ખેડૂત ચૈતરભાઈ વસાવા પાસે ગયા હતા. ચૈતર વસાવાએ બે ફોરેસ્ટર તેમજ ત્રણ બીટ ગાર્ડને પોતાના ઘરે બોલાવી માર માર્યો હતો. તેઓને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ બાબત ફોરેસ્ટ ખાતાના ઉપરી અધિકારીઓના ધ્યાનમાં આવતા ઉપરી અધિકારીઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.”

“આ ગેરકાયદેસર રીતે જમીન ખેડનાર પણ આદિવાસી છે તેમજ તેમની રક્ષણ કરનાર વનકર્મીઓ પણ આદિવાસી છે. જેથી આ મુદ્દો આદિવાસી અને બિનઆદિવાસીનો નથી પરંતુ જંગલ બચાવવાનો છે.”

મનસુખ વસાવાએ કહ્યું, “ચૈતર વસાવા દ્વારા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે, સરકાર અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) આદિવાસી વિરોધી છે, પરંતુ એવું જરાય નથી. પરંતુ જેણે ગુનો કર્યો છે તેની સામે કાયદેસર કાર્યવાહી થાય.”

“જંગલ બચાવવાં જરૂરી છે. વન છે તો માનવ જીવન અસ્તિત્વમાં છે. જો જંગલો કાપી નાખવામાં આવશે, તો આદિવાસીનું અસ્તિત્વ જોખમમાં આવશે. આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસીઓના હક માટે લડવું જોઈએ, પરંતુ સાચી વાત સાથે ઊભા રહેવું જોઈએ.”

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સામે વિપક્ષ પર આ મામલે પોતાના રાજકીય સ્વાર્થ માટે આદિવાસીઓની લાગણીઓનો ગેરલાભ લેવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે આદિવાસી સમાજને આ મામલે વિરોધપ્રદર્શનથી દૂર રહેવા અને વનવિભાગના કર્મચારીઓને ન્યાય મળે તે માટા સમર્થન કરવાનું આહ્વાન કર્યું.

મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સતત આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે.”

“ચૈતરભાઈ વસાવાની સામે અત્યારે એક આદિવાસી બીડ ગાર્ડ અને ફૉરેસ્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સૌ કોઈને મારી વિનંતી છે કે, ડેડિયાપાડામાં ચૈતર વસાવા સમર્થનમાં ધરણા કરવાથી દૂર રહે આપણે સૌએ આદિવાસી સમાજ તરીકે એક આદીવાસી બીડ ગાર્ડ અને ફૉરેસ્ટરને ન્યાય મળે તે માટે વિચારવું જોઈએ.”

“વિપક્ષની આવી રાજનીતિમાંથી દૂર રેહવું જોઈએ. વિપક્ષ પોતાનો રાજકીય રોટલો શેકવા આદિવાસી સમાજની લાગણીનો ઉપયોગ કરી રહ્યો છે.”

ધરપકડ બાદ શકુંતલાબહેનની તબિયત લથડી હૉસ્પિટલમાં કરાયા દાખલ

આ દરમિયાન ચૈતર વસાવાનાં પત્ની શકુંતલા વસાવાની તબિયત બગડતા તેમને રાજપીપળા સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ધારાસભ્ય ચૈતર વસાવાનાં પત્ની શકુંતલા બહેનના વકીલ ગોપાલ ઇટાલિયાએ વાત કરતા જણાવ્યું હતું કે, “આ સમગ્ર કથિત ઘટનામાં શકુંતલાબહેનનો શું રોલ છે? તે અંગે ફરિયાદમાં પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.”

“માત્ર રાજકીય રીતે ખોટી રીતે હેરાન કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાનાં પત્નીનું નામ લખવામાં આવ્યું છે પરંતુ ફરિયાદમાં તેમનો શું રોલ તે અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.”

“આજના સમયમાં નાનામાં નાની ઘટનાનું ઑડિયો વીડિયો રેકૉર્ડિંગ કરવામાં આવે છે. જ્યારે અહીંયા તો ફાયરિંગ થઈ ગયું હોવાનું કહેવામાં આવે છે તેમજ સામે સરકારી કર્મચારીઓ હોવા છતાં તેમાંથી કોઈએ પણ ઑડિયો કે વીડિયો રેકૉર્ડિંગ કર્યું નથી તે નવાઈ પમાડે તેવી બાબત છે.”

તેમણે એવો પણ પ્રશ્ન ઊભો કર્યો કે જ્યાં આ ઘટના બની એ ગામમાં પણ કોઈએ આ ઘટનાનો વીડિયો રેકૉર્ડ કર્યો નથી.

તેઓ વધુમાં જણાવે છે કે, “આ ઉપરાંત 30 તારીખે રાત્રે કહેવાતી આ ઘટના બની છે પરંતુ ફરિયાદ ત્રણ દિવસ બાદ બે તારીખે કરવામાં આવે છે.”

“ફરિયાદી સરકારી કર્મચારી છે જેઓ કાયદાના જાણકાર છે તો તેમને ત્રણ દિવસ સુધી કેમ ફરિયાદ ન કરી? તમણે કેમ 100 નંબર પર ફોન કરીને જાણ ન કરી? ઘટના બની તેના કોઈ તાત્કાલિક પગલાં કેમ લેવામાં આવ્યાં નથી? ત્રણ દિવસ સુધી વાર્તા ઊભી કરવામાં આવી ત્યારબાદ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ફરિયાદીના કહેવા અનુસાર સરકારી જમીન પર કપાસનું વાવેતર હતું તો શા માટે ઓફિસિયલ ટાઈમમાં તપાસ માટે ન ગયા? ખેડૂત દ્વારા સરકારી જમીનમાં ખેતી કરવામાં આવી હતી તો પછી કેમ કોઈ નોટિસ આપવામાં ન આવી?”

“સરકારી જમીનમાં કોઈ દબાણ કરવામાં આવે તો દબાણ હટાવવા માટે સરકાર દ્વારા કબજેદાર પાસેથી ખર્ચ વસૂલવામાં આવે છે તો પછી કેમ આ કેસમાં ખર્ચ વસૂલવાની કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ?”

“આખી પ્રક્રિયા જ ખોટી છે. આખી ફરિયાદ પોલિટિકલ મોટીવેટેડ છે. અમે કોર્ટમાં અમારી રજૂઆત કરીશું. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ શકુંતલાબહેન સહિત ત્રણે વ્યક્તિઓની જામીન અરજી મૂકવામાં આવી છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button