ગુજરાતરાજનીતિ

AAPના ભુપત ભાયાણીને BJPમાં લાવવાનું ઓપરેશન કયા નેતાએ પાર પાડ્યું?

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે પાર્ટીમાંથી રાજીનામું ધરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો અને ફરી એકવાર ઓપરેશન લોટસની ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે ભૂપત ભાયાણીનું ઓપરેશન પાર પાડનાર ભાજપના કયા નેતા છે તે જાણીએ આ રિપોર્ટમાં.

એક વર્ષમાં ભુપત ભાયાણીનું રાજીનામું

લોકસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિના જ બાકી છે. તમામ પક્ષોએ રણનીતિ ઘડવાની પણ શરુ કરી દીધી છે. આ બધાની વચ્ચે વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીથી ચૂંટાઈને આવેલા ભૂપત ભાયાણીએ એક વર્ષની અંદર જ પોતાની જનતા દગો આપતા પક્ષમાંથી રાજીનામું ધરી દીધું. જો કે આ કોઈ પહેલીવાર નથી. આ અગાઉ પણ ભૂપત ભાયાણી રાજીનામું આપશે તેવો ડ્રામા થયો હતો. પરંતુ ત્યારે રાજીનામું ધર્યું નહોતું. જો કે જે પ્રકારે ભુપત ભાયાણી મહિલા સાથે હોટેલમાં દેખાયા હતા અને તેના બાદ જે ડ્રામા થયો હતો તેણે ઘણાં સવાલ ઉભા કર્યા હતા. ત્યારે આખરે હવે ભુપત ભાયાણી જે ભાજપથી આવ્યા હતા તે જ ભાજપના જ ફરી ગુણગાન ગાઈ રહ્યા છે. તો આ તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભૂપત ભાયાણીએ લોકોનો વિશ્વાસ તોડ્યો છે અને ભાજપ 156 બેઠકો મળ્યા છતા પણ ધરાતી નથી માટે ભાજપ આપને ડરાવે છે.

ભૂપત ભાયાણીના BJPમાં આવવાની ચર્ચા હતી

જો કે સૌથી ચર્ચાસ્પદ વાત એ છે લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ ફટકો લાગ્યો છે, તેની પાછળ કોનું દિમાગ છે? જે પ્રકારે હાલ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો જીતનારી આમ આદમી પાર્ટીને હવે તૂટવાનો ભય છે. છેલ્લા કેટલાય સમયથી વાતો ચાલતી હતી કે આપના ધારાસભ્યો ભાજપમાં જોડાશે પરંતું ઓપરેશન લોટસ ત્યારે સફળ થઈ શક્યું નહીં. હવે જ્યારે વિધાનસભા ચૂંટણીને 1 વર્ષ થઈ ગયું છે ત્યારે રાજકીય ગલીઓમાં ચર્ચાઓ એવી છે આ ઓપરેશન લોટસને પાર પાડવાની જવાબદારી ભરત બોઘરાને સોંપવામા આવી હતી.

કયા નેતાએ પાર પાડ્યું ઓપરેશન?

સૂત્રો મુજબ ભરત બોઘરાએ ખૂબ મોટી મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હોવાનું હાલ માલુમ પડી રહ્યું છે. ભરત બોઘરા પોતે પાટીદાર નેતા છે અને ભૂપત ભાયાણી પણ લેઉવા પાટીદાર સમાજથી આવે છે માટે તે સમીકરણ પણ સેટ કર્યા અને સાથે-સાથે ભૂપત ભાયાણી સાથે રાજનૈતિક દાવપેચ પણ રમવામા આવ્યા અને આખરે ભાજપનું ઓપરેશન લોટસ સફળ થયું. માટે ભૂપત ભાયાણીને ફરી પક્ષમાં લાવનો શ્રેય ભરત બોઘરાને જાય છે તે કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય.

અહીં એ પણ જણાવી દઈએ કે હજુ પણ આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો પાર્ટીને રામ-રામ કરી દે તેવી વાતો ચાલે છે. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપને બાય-બાય કહે તેવી ચર્ચાઓ છે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપ તેમને પોતાના તરફ કરી શકે છે કે પછી આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્યોને પાર્ટીમાં રાખવામાં સફળ રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button