ડાંગ

વઘઇના વાઘમાળ ગામે ત્રણ દિવસે એકવાર પાણી આવતા મહિલાઓને પાણી માટે દૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે

વઘઈ તાલુકાના વાઘમાળ ગામે ઘણાં સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં ઘરેઘરે નલ સે જલ યોજનાની વાતો વચ્ચે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હજુ પણ પાણીની વિકટ સમસ્યાઓ સર્જાઈ રહી છે. હજુ પણ લોકો નલ સે જલ યોજનાનો પાણી નહીં પણ કુવા કે હેન્ડપંપનું પાણી પી ગુજરાન ચલાવી રહ્યા છે.


હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં તો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વાઘમાળ ગામે પાણીની પાઇપલાઈનમાં ભંગાણથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. લોકોને પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ કે ચાર દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે. જેના લીધે લોકોની હાલત કફોડી બની રહી છે. વાઘમાળમાં મહિલાઓ પાણી આવવાના દિવસે બધું કામ પડતું મૂકી પાણી ભરવા માટે દોડે છે, જેના લીધે ગૃહિણીઓની હાલત દયનીય બની ગઈ છે. ઉપરાંત ત્રણ-ચાર દિવસે પાણી અપાતા ગ્રામજનોએ ડ્રમ, પીપ સહિતના સાધનો એક જગ્યાએ પાણી ભરવા ખડકી દેવા પડે છે. રહીશોના જણાવ્યા પ્રમાણે અનેકવાર પાણી પુરવઠા વિભાગને ફરિયાદો કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી.

આખો દિવસ બગડે છે પાણી ભરવા માટે અમારે જરૂરી કામ છોડીને તેની રાહ જોવી પડે છે અને જેના કારણે અમારો આખો દિવસ બગડે છે. >અંજુબેન પવાર, સ્થાનિક

પાણીની સમસ્યા નથી વાઘમાળમાં રસ્તાના કામ વખતે પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની સમસ્યા સર્જાઈ હતી, જે હવે નથી.> પિયુષભાઇ, એન્જિનિયર, પાણી પુરવઠા, ડાંગ

અમારું કોઈ સાંભળતું નથી અમારા ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. અમે લોકોએ અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં અમારું કોઈ સાંભળતું નથી. > શાંતાબેન વેજલ, સ્થાનિક

ગામ આખું ભેગુ થતા ઝઘડા થાય છે અમારા ગામમાં ત્રણ ચાર દિવસે પાણી અપાય છે. આખું ગામ ભેગું થઈ જતા ઝઘડાઓ થાય છે. અમે લોકોએ વઘઈ પાણી પુરવઠાને ફરિયાદ કરી તેમ છતાં અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી.> કમળાબેન , સ્થાનિક

પાણીની સમસ્યા કાયમી છે ઘર ઘર નળ દ્વારા પાણી આપવાની વાતો જ થાય છે. અમારા ગામમાં આ પાણીની સમસ્યા કાયમની છે. અમારી રજૂઆતો નેતાઓ કે અધિકારીઓ સાંભળતા નથી. >મીનાબેન ભોયે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button