માંગરોળ

ક્યાં સુધી મિલ માલિકોનો માર ખાતો રહેવો પડશે કામદારોએ?

કામદારો હક્ક માંગે તો મૂડીપતિઓ દ્વારા પોલીસ તંત્રનો બળનો પ્રયોગ ક્યાં સુધી?

માંગરોળની પિપોદરા GIDCમાં ગઈકાલે મીલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો, જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો માંગ સાથે રસ્તા પર ઊતર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતાં જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકાયો. કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતાં પોલીસના ગાડીના કાચ તૂટ્યા. પોલીસે હુમલાને કાબૂ કરવા ટિયરગેસના 6 શેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું.

  • શું લેબર લો જેવો મિલ માલિકોને માટે હોય છે કે નહીં?

  • ક્યાં સુધી કામદારો મિલ માલિકોના અત્યાચાર સહન કરતા રહેશે?

  • અને ક્યાં સુધી સરકાર અથવા પોલીસ મૂડીપતિઓનો સાથ આપશે?

મિલમાલિકે કામદારને માર મારતાં હોબાળો

માંગરોળના પિપોદરા GIDCની વિશ્વકર્મા ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં ગઈકાલે મિલમાલિકે એક કારીગરને માર માર્યો હતો. એને લઈ કામદાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતાં આજરોજ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માગ કરી રહ્યા હતા. કંપની બંધ કરાવતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતાં તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે ટિયરગેસના શેલ છોડી મામલો કાબૂ કરવાનો પ્રયાસ કર્યો

પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબૂ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતાં નાસભાગ મચી, જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા. મામલો વધુ ઉગ્ર બનતાં પોલીસે ટિયરગેસના 6 શેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પથ્થરમારો કરતાં અમુક કામદારો પોલીસના હાથે લાગતાં તેમની અટકાયત કરવામાં આવી, સાથે પોલીસે મિલમાલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી

હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button