ગુજરાત

બહુચર્ચિત બિલકિસબાનો કેસ છે શું? 2002ના મધરાતની કાળજું કંપાવતી ઘટના, સમગ્ર કેસમાં ગુજરાત સરકાર કેમ રહી વિવાદમાં?

ગુજરાતની બિલકિસ બાનો કે જેણે 21 વર્ષ સુધી પોતાને ન્યાય અપાવવા માટે એકલાહાથે જંગ લડી...શું હતી તેમની કહાની? શા માટે 2002નો આ કેસ સુપ્રીમ કોર્ટે પહોંચ્યો? અને હવે આજે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપ્યો મોટો આંચકો

ગુજરાત સરકારને બિલકિસ બાનો કેસમાં મોટો આંચકો લાગ્યો છે. ગુરુવારે (26 સપ્ટેમ્બર, 2024) સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત આદેશમાં કરવામાં આવેલા અવલોકનોને કાઢી નાખવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત સરકારે તેના વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને દૂર કરવા વિનંતી કરી હતી. હકીકતમાં સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારની હત્યાના દોષિત 11 લોકોની અકાળે મુક્તિને ફગાવી દીધી હતી. આ સમયે કોર્ટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. શું તમે જાણો છો શું હતો આ બિલકિસ બાનો કેસ?

ગુજરાત સરકારે અરજીમાં શું કહ્યું?

એક અહેવાલ મુજબ ગુજરાત સરકારની અરજીમાં કોર્ટના અવલોકન પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે તેમણે ગુનેગારો સાથે મળીને કામ કર્યું હતું. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, આ ટિપ્પણી અયોગ્ય છે અને કેસના રેકોર્ડની વિરુદ્ધ છે અને અરજદાર સામે પૂર્વગ્રહયુક્ત પણ છે. જોકે સુપ્રીમ કોર્ટે આ વાત સાથે સહમત નથી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું, રિવ્યુ પિટિશન પડકારવામાં આવેલ આદેશ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, રેકોર્ડ પર કોઈ ભૂલ દેખાતી નથી અથવા રિવ્યુ પિટિશનમાં કોઈ યોગ્યતા નથી જેના કારણે પડકારવામાં આવેલ આદેશ પુનર્વિચાર કરવામાં આવશે. જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા “સારા વર્તન” માટે મુક્ત કરાયેલા 11 લોકોને જેલમાં પાછા ફરવું પડશે. કોર્ટે આવા નિર્ણય પર ઐતિહાસિક આદેશ આપતા કહ્યું કે, રાજ્ય સરકાર આ લોકોને મુક્ત કરવામાં સક્ષમ નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. કોર્ટે કહ્યું, મુક્તિના આદેશમાં યોગ્યતાનો અભાવ છે. આવો આદેશ વિચાર્યા વગર પસાર કરવા બદલ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી.

જાણો શું છે આ બિલકિસ બાનો કેસ ?

ગુજરાતમાં 2002ની સાલમાં ગોધરાકાંડ થયો હતો. માર્ચ 2002માં દાહોદ જિલ્લાનાં રંધિકપુર ગામમાં બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો. એટલું જ નહીં તેમના પરિવારનાં 7 સદસ્યોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બિલકિસ 5 મહિનાની ગર્ભવતી હતી. ઘટનામાં સામેલ રાધેશ્યામ શાહી, જસવંત ચતુરભાઈ નાઈ, કેશુભાઈ વદાનિયા, બકાભાઈ વદાનિયા, રાજીવભાઈ સોની, રમેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ભટ્ટ, બિપિન ચંદ્ર જોશી, ગોવિંદભાઈ નાઈ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢીયાની સામે FIR કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે 21 વર્ષિય બિલકિસ બાનો ગર્ભવતી હતી. ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો અને એટલું જ નહીં તેના નવજાત બાળકને જમીન પર પટકી-પટકીને મારી દેવામાં આવ્યું.

2004માં ધરપકડ

તમામ 11 આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી. આ મામલો અમદાવાદનાં ટ્રાયલ કોર્ટમાં શરૂ થયો. બાદમાં મામલાનાં સાક્ષીઓને ધમકાવવા અને પુરાવાઓ સાથે છેડછાડનાં બિલકિસનાં ભયથી મામલાને સુપ્રીમ કોર્ટે અમદાવાદથી મુંબઈ ટ્રાંસફર કર્યો. 21 જાન્યુઆરી 2008નાં રોજ સ્પેશિયલ CBI કોર્ટે 11 દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવી. સ્પેશિયલ કોર્ટે 7 દોષિતોને પુરાવાનાં અભાવને લીધે મુક્ત કર્યાં. જ્યારે એક દોષિતનું ટ્રાયલ દરમિયાન મોત થયું. આ બાદ બોમ્બ હાઈકોર્ટ દ્વારા પણ આ ચુકાદાને અકબંધ રાખવામાં આવ્યું.

આ તરફ અચાનક 2019માં પલટાયો મામલો

2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો. સાથે જ બિલકિસને નોકરી અને ઘર આપવાનો પણ આદેશ આપ્યો. આ સમયે દોષિતોએ 18 વર્ષ જેટલી સજા કાપી લીધી હતી. જે બાદ દોષીત રાધેશ્યામ શાહીએ કલમ 432 અને 433 અંતર્ગત સજાને માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. HCએ એવું કહીને અરજી ફગાવી કે તેમને માફી આપવાનાં વિષયે નિર્ણય કરનારી સરકાર મહારાષ્ટ્રની છે, ગુજરાત નહીં. જે બાદ રાધેશ્યામ શાહીએ SCમાં અરજી કરી અને કહ્યું કે તેઓ 1 એપ્રિલ, 2022 સુધી કોઈપણ છૂટછાટ વગર 15 વર્ષ 6 મહિના જેલમાં રહ્યો. આ સમયે સુપ્રીમ કોર્ટે મે 2022માં ગુજરાત સરકારને 1992ની માફી નીતિ અનુસાર સમયથી પહેલાં જામીન આપવાનાં આવેદન પર વિચાર કરવા કહ્યું અને 2 મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો. ગુજરાત સરકારે માફી નીતિ અંતર્ગત 11 દોષિતોને 15 ઑગસ્ટ 2022નાં રોજ તેમને જામીન આપી જે બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થવા લાગી.

બિલકિસ બાનોએ ફરી સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવ્યાં

જામીનનાં 3 મહિનાથી પણ વધારેનાં સમય બાદ બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટનાં મે 2022નાં આદેશને પડકારતી અરજી કરી. સુપ્રીમ કોર્ટે પહેલી અરજી પર 25 ઑગસ્ટ 2022નાં નોટિસ જાહેર કરી અને 9 સપ્ટેમ્બર 2022નાં સુપ્રીમ કોર્ટે માફી સંબંધિત દસ્તાવેજોનાં રેકોર્ડ અંગે માંગ કરી. ડિસેમ્બર 2022માં પહેલીવખત બિલકિસ બાનોની અરજી સૂચીબદ્ધ થઈ. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બેલા ત્રિવેદીએ મામલાની સુનાવણીથી પોતાને અલગ કરી દીધું. માર્ચ 2023માં આ મામલો જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેંચ સમક્ષ રજૂ થયો. તે સમયે કેન્દ્ર, ગુજરાત સરકાર અને 11 દોષિતોને નોટિસ ફટકારવામાં આવી.

બેંચે ગુજરાત સરકારને ફટકાર લગાડી

કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે શું રાજ્ય આ પ્રકારની છૂટ નીતિ લાગૂ કરી શકે છે જ્યારે હત્યાનાં દોષિતો વર્ષોથી જેલમાં બંધ હોય ? કોર્ટે મુક્ત થયેલા દોષિતોની આપરાધિક માહિતી માંગી. એપ્રિલ 2023માં કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે તેમણે શા માટે દોષિતોને જામીન આપી. આ દરમિયાન SCમાં ગુજરાત સરકાર અને કેન્દ્રે પોતાના તર્ક આપ્યાં. જે બાદમાં બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારનાં નિર્ણયને રદ કર્યો છે. આ સાથે કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે.

Related Articles

Back to top button