નવસારી

બીલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટાં બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી 9 કરોડની ઉચાપત કરી

નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મુકી અને ખોટી હકીકતો ઉભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે. જે અંગે સુરત સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

14 લોકો સામે કૌભાંડની ફરિયાદ નોંધાઈ

નવસારી જિલ્લાના બીલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે. 9 કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે. જે અંગે સુરત સીઆઇડી ક્રાઈમમાં 14 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી. જેના આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી. સીઆઇડી ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120 બી, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13બી મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ખોટાં બિલો અને ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી હતી

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઇજનેર જતીનકુમાર મોહનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્ર આચર્યું છે. ઇન્કવાયરી દરમિયાન ફલિત થયું છે કે, આ કામના આરોપીઓ દલપત પટેલ, શિલ્પા કે. રાજ, પાયલ એન. બંસલ, કિરણ બી. પટેલ, રાજેશકુમાર ઝા, જે. પી. પરમાર અને આર. જી. પટેલ કે જેઓ જાહેર રાજ્યસેવક છે. સરકારી રેકોર્ડ સાચવવાની જવાબદારી તેઓની હોવા છતાં સરકારી નાણાં વિકાસના કામમાં વાપરવાના બદલે ખોટા બિલો બનાવી તથા સરકારી ધારાધોરણ મુજબ ટેન્ડરો બહાર નહીં પાડી ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી મોટી સરકારી રકમની ઉચાપત કરી છે. આ સાથે તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓએ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી દસ્તાવેજો અને પુરાવાઓનો નાશ કરી મેઝરમેન્ટ બુકો ગુમ કરી રેકોર્ડનો નાશ કર્યો છે.

ખોટી ચૂકવણી કરી સરકારી નાણાંની ઉચાપત કરી

તેમજ એક્શન પ્લાન 2023-24 અંતર્ગત રી જુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા 7.16 કરોડની જોગવાઈની સામે મંજૂર થયેલી જોગવાઈથી ઉપરવટ જઈ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઇ.આર.પી તથા FAS સોફ્ટવેરનો દુરૂપયોગ કરી કોઈપણ પ્રકારની મંજૂરી વગર 12.44 કરોડની ખોટી ચૂકવણી કરી મોટા પ્રમાણમાં સરકારી નાણાંની ઉચાપત કરી ગંભીર પ્રકારનો અપરાધ કર્યો છે. વધુમાં આ કામના આરોપીઓ આ તમામ સાત આરોપી બોર્ડની રીજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ અંતર્ગત નિયમોનુસારનો લેવાનો થતો 10 ટકા લાભ ફાળો પંચાયત પાસેથી મેળવ્યા વગર કાર્યપાલક ઇજનેર તરીકે સોંપવામાં આવેલા વહીવટી સત્તાનો દુરુપયોગ કરી બોર્ડને અંદાજીત રૂપિયા 1.25 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. જેથી તમામ આરોપીઓએ ભેગા મળી કુલ રૂપિયા 12.44 કરોડ જેટલી રકમનું સરકારી નાણાંનું સરકારને નુકસાન કર્યું છે.

કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે

રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અમારા ધ્યાન પર જ્યારે સમગ્ર વાત આવી હતી ત્યારે મેં ખુદ જઈને અધિકારીઓને આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે કહ્યું હતું.

9 કરોડથી વધુની રકમની ઉચાપત કરી

સુરત સીઆઇડી ક્રાઈમના એસીપી એ.એમ. કેપ્ટનએ જણાવ્યું હતું કે, ફરિયાદ અનુસાર અધિકારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર તપાસમાં આ લોકોએ મળીને 9 કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. એકંદરે 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અલગ અલગ કામો કરવાના હોય છે જેના ખોટા બીલો બતાવીને આ ઉચાપત કરવામાં આવી છે.

અધિકારીઓની જવાબદારી શું હતી?

આરોપી દલપત પટેલ કાર્યપાલક ઈજનેર તરીકે તા. 30 જુલાઈ 2021થી નવસારી ખાતે ફરજ બજાવતા હતા અને તા. 31 જુલાઈ 2023ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા. તેમની ફરજ દરમિયાન તેમની કામગીરી જેવી કે નવસારી જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર યોજનાઓનું અમલીકરણ બોર્ડ તથા સરકારના જે તે પ્રોગ્રામના નિયમો મુજબ કરાવવાનું હતું. દલપત પટેલ કાર્યપાલક ઇજનેરના તાબા હેઠળ તેમના સમયગાળા દરમિયાન શિલ્પા કે. રાજ, પાયલ એન. બંસલ અને કિરણ બી. પટેલ પેટા વિભાગીય કચેરી ખાતે કાર્યરત હતા. શિલ્પા કે. રાજ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે વાંસદા કચેરી, પાયલ એન. બંસલ નાયબ કાયપાલક ઈજનેર તરીકે બીલીમોરા કચેરી તથા કિરણ બી. પટેલ અધિક મદદનીશ ઇજનેર તરીકે તથા નવસારીનો વધારાનો હવાલો સંભાળતા હતા. આ તમામ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ડી.બી. પટેલના કાર્યપાલક

ઇજનેરના તાબા હેઠળ નિયમોનુસાર કામગીરી કરવાની અને બોર્ડના નિયમ મુજબ તમામ કાર્યોની લેખિતમાં જાણ કરવાની ૨હેતી હતી. રાજેશકુમાર ઝા કે જે વિભાગીય હિસાબનીશ તરીકે નવસારી વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા હતા. તેમજ આર. જી. પટેલ કે જે નવસારી વિભાગીય કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તથા જે. પી. પરમાર કે જે બીલીમોરા પેટા વિભાગીય કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે રેગ્યુલર તથા નવસારી વિભાગીય કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે વધારાનો હવાલો સંભાળતા હતા.

ખોટા બિલો તથા ખોટી એફ.ડી.આર. રજૂ કરી ઉચાપત

ડી. બી. પટેલ કાર્યપાલક ઇજનેરની કચેરીમા જે. પી પરમાર અને આર. જી. પટેલ હિસાબી શાખામાં રાજેશકુમાર ઝા વિભાગીય હિસાબનીશ સાથે કામગીરી કરતા હતા. જેમાં તેમના વિભાગીય કચેરી અંતર્ગત હાથ ધરવામાં આવનાર તમામ કામોમાં ટેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે ભાવો માંગવાથી લઇને તમામ એજન્સીઓના ભાવો આવ્યા બાદ તેનું એક સરખામણી પત્રક તૈયાર કરવાનું અને તે પત્રક તૈયાર કર્યા બાદ કાર્યપાલક ઇજનેરને સુપરત કરે અને ત્યાર બાદ કાર્યપાલક ઇજનેરની મંજૂરી બાદ એગ્રિમેન્ટ અને વર્ક ઓર્ડર કરવાની પ્રક્રિયા રહે છે તેમજ તે માટે જરૂરી ટેન્ડર મુજબની ટેન્ડર ફી, જામીન અનામતની રકમ અને સિક્યોરિટી ડિપોઝિટની રકમ કચેરીમાં નિયમોનુસાર જમા કરાવવાની રહે છે અને તેનું રજિસ્ટર તથા તેને લગતા દસ્તાવેજો સાચવવાની જવાબદારી પણ આ કર્મચારીઓએ નિભાવવાની રહે છે. તમામ એજન્સીઓ એટલે કે જે એજન્સી કે જેમણે તેમના પક્ષે ટેન્ડર મંજૂર થયા બાદ જરૂરી સિક્યોરિટી ડિપોઝિટ ભરીને કરારખત કરી ટેન્ડર મુજબ કામગીરી કરવાની હોય, પરંતુ તેવી કામગીરી ન કરી એકબીજાના મેળાપીપણામાં ખોટા બિલો તથા ખોટી એફ.ડી.આર. રજૂ કરી અન્વયે ચૂકવણી મેળવીને સરકારી નાણાંની ઊચાપત કરી છે.

આ લોકો સામે ફરિયાદ નોંધાઈ

  • દલપત પટેલ (નિવૃત કાર્યપાલક ઇજનેર, જાહેર બાંધકામ વિભાગ, નવસારી)
  • શિલ્પા કે. રાજ (કાર્યપાલક ઇજનેર, વાંસદા પેટા કચેરી)
  • પાયલ એન. બંસલ (નાયબ કાર્યપાલક ઇજનેર, બીલીમોરા પેટા કચેરી)
  • કિરણ બી. પટેલ (અધિક મદદનીશ ઇજનેર)
  • રાજેશકુમાર ઝા (વિભાગીય હિસાબનીશ)
  • આર. જી. પટેલ (સિનિયર ક્લાર્ક, નવસારી વિભાગ ગીચ કચેરી)
  • જે. પી. પરમાર (સિનિયર ક્લાર્ક, બીલીમોરા વિભાગીય કચેરી)
  • મેસર્સ સારા એન્ટરપ્રાઇઝિસ
  • મેસર્સ જ્યોતિ સ્વીચ બોર્ડ
  • મેસર્સ ગોયમ એન્ટરપ્રાઇઝિસ
  • મેસર્સ સુપર કન્સ્ટ્રક્શન
  • મેસર્સ અક્ષય ટ્રેડર્સ
  • મેસર્સ અભિનંદન એન્ટરપ્રાઇઝિસ
  • મેસર્સ ધર્મેશ વી પટેલ

ધરપકડ કરાયેલા આરોપી

  • દલપત પટેલ (ઉં.વ.59, હાલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત)
  • રાકેશ ગુલાબભાઇ પટેલ (ઉં.વ.46, અધક્ષિક ઇજનેરની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ જૂનાગઢ ખાતે)
  • જગદીશ પ્રભાતભાઇ પરમાર (ઉં.વ.41, હાલ ફરજ મૌકૂફ, અધક્ષિક ઇજનેર, જાહેર આરોગ્ય ર્વતુળ રાજકોટ ખાતે)
  • નરેન્દ્ર ભાઇલાલ શાહ (ઉ.વ. 71, ધંધો-કોન્ટ્રાક્ટર)
  • તેજલ કર્કાતકિભાઈ શાહ (ઉ.વ. 37)
  • જ્યોતિ નરેન્દ્ર ભાઇલાલ શાહની પત્ની (ઉ.વ.64, ધંધો-ઘરકામ)
  • શિલ્પા કે. રાજ (ઉ.વ.44, કાર્યપાલક ઇજનેર)
  • કરિણ ભાણાભાઇ પટેલ (ઉ.વ. 46, અધિક મદદનીશ ઇજનેર તરીકે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ નવસારી)
  • મોહમદ એહમદ નલવાલા (ઉ.વ. 48, ધંધો-કોન્ટ્રાક્ટર)
  • ધમેશ વલ્લભભાઇ પટેલ (ઉ.વ.42, ધંધો-કોન્ટ્રાક્ટર)

Related Articles

Back to top button