ઉમરપાડામાં 10 ઇંચ વરસાદે વેલાવી ગામનો રોડ ધોઈ નાખ્યો

ઉમરપાડા તાલુકામાં મેઘરાજા એ બઘડાટી બોલાવી હતી. 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં હાલ તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે. વેલાવી ગામ પાસે ભારે વરસાદને રસ્તાનું ધોવાણ થયું હતું. જેને લઇને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ઘણા લો લેવલ બ્રિજ પણ પાણી ડૂબી ગયા હતા. ત્યારે વરસેલા ભારે વરસાદ સામે રસ્તાઓ પણ ટકી શક્યા ન હતા.
ઉમરપાડાના વેલાવી ગામ પાસે વેલાવીથી ડેડીયાપાડાને જોડતા રસ્તા પર એક બાજુ સાઈડ ધોવાઈ ગઈ હતી. જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે હાલ વરસાદનું જોર ઘટી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
રસ્તાના ધોવાણને લઇને માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારી મેહુલ વાળાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને રસ્તાનું ધોવાણ થયું છે. આ બાબત ધ્યાને આવી છે. આવતીકાલે આ રસ્તાનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવશે.




