
સુરત અને તાપી જિલ્લાની સરહદ પર આવેલ માણેકપોર ગામની સીમામાં આવેલ જી.એમ. ક્રિકેટ મેદાનમાંથી 50 ફ્લડ લાઇટ અને વાયરની ચોરી થઈ ગઈ છે. આ ચોરીને કારણે અંદાજિત બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ક્રિકેટ મેદાનના સંચાલક જેનીશ અશોકસિંહ મોરીએ બારડોલી ગ્રામ્ય પોલીસને આપેલી ફરિયાદ મુજબ, તાપી જિલ્લાના બાજીપુરાને અડીને આવેલ જી.એમ. ક્રિકેટ મેદાનમાં કુલ 50 ફ્લડ લાઇટ લગાવી ક્રિકેટ રમાડવામાં આવી છે. દસેક દિવસ પહેલા આ ફ્લડ લાઇટમાંથી 16 લાઇટની ચોરી થઈ ગઈ હતી. તે સમયે સંચાલકે મઢી આઉટપોસ્ટમાં ફરિયાદ કરવા જતાં તપાસ કર્યા બાદ ફરિયાદ લેવાનું જણાવતા તે સમયે કોઈ ફરિયાદ કરવા આવી ન હતી.
દસ દિવસ બાદ પણ પોલીસે કોઈ તપાસ કરી ન હોય તેવી સ્થિતિમાં, ચોરોએ ફરી એક વખત ગત રાત્રે મેદાનમાં બાકી બચેલી 34 લાઇટની ચોરી કરી લીધી હતી. પોલીસની બેદરકારીને કારણે વધુ લાઇટની ચોરી થઈ જતાં સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, મઢી આઉટપોસ્ટ વિસ્તારમાંથી અનેક વખત ખેતરોમાંથી મોટર ચોરીના ગુનાઓ બની રહ્યા છે. છતાં પોલીસ કઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે ગુનાને ડામવા માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માગ સ્થાનિક લોકો તરફથી ઉઠી રહી છે.
સંચાલક જેનીશ અશોકસિંહ મોરીએ પોલીસની બેદરકારી પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ઝડપી તપાસ અને ચોરી થયેલી લાઇટ પાછી મેળવવાની માંગ કરી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો છે અને પોલીસ દ્વારા વધુ સક્રિયતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે.
હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને ચોરી કરનાર ગુનેગારોને ઝડપી પકડવાના પ્રયાસો ચાલુ છે.