માંડવી તાલુકામાં સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને 20 વર્ષની સખત કેદ
સગીરા લગ્નના ડીજેમાં ગઇ હતી ત્યાંથી આરોપી ખેતરમાં લઇ ગયો

માંડવી તાલુકાના એક ગામમાં લગ્નની આગળની રાત્રી 23-01-2022એ ડી.જે અને ગરબાનો પ્રોગ્રામ હતો. જેમાં ગામની 12 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે આવી હતી. સગીરા બહેનપણી સાથે બેઠી હતી અને માતા પિતા લગ્નની કામગીરી કરી રહ્યાં હતાં.
મોડી રાત્રીએ સગીરા તેની બહેનપણી સાથે લગ્ન મંડપથી થોડે દૂર ગઈ હતી તે દરમિયાન લગ્નમાં આવેલ માંડવી તાલુકાનો વીસડાલિયા ગામનો 21 વર્ષીય પરિણીત મહેન્દ્ર ઉર્ફે પકો માનસિંગ કોટવાડિયા (રહે.વીસડાલિયા, કોલોની ફળિયું માંડવી, મૂળરહે. ખુપરગામ, તા. ડેડિયાપાડા, જિ. નર્મદા)એ સગીરાનું મો દબાવીને બાજુના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.સગીરા સ્થળ પર જોવા ન મળતાં માતા સહિત બહેનપણીએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સગીરા હવસખોરના ચુંગલમાંથી છટકી માતા પિતા પાસે આવી આપવીતી જણાવી હતી.
જે અંગે સગીરાના પિતાએ માંડવી પોલીસને જાણ કરતાં માંડવી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ કેસ બારડોલી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર દલીલો રજૂ કરી હતી. જેને બારડોલીના છઠ્ઠા એડિશનલ સેસન્સ જજ રોબીન પી. મોગેરા સાહેબે આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકારેલ હતો. દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.




