નિઝરના વેલદા ગામમાંથી 7 જીલેટીન સ્ટીક સાથે 4 શખ્સની ધરપકડ

નિઝર તાલુકામાં SOG પોલીસે મોટી કાર્યવાહી કરતા વેલદા ગામની સીમના ખેતરમાંથી વિસ્ફોટક પદાર્થો ઝડપી પાડ્યા છે. પોલીસે આ કેસમાં ચાર શખ્સની ધરપકડ કરી છે, જેમાં ભાવિન પુજાલાલભાઇ પટેલ, રામચંદ્ર નંદાજી ભીલ, જમનાલાલ સોહનલાલ જાટ અને ધનરામ લાદુ કીરનો સમાવેશ થાય છે.
પોલીસે આ કાર્યવાહીમાં કુલ 7 જીલેટીન સ્ટીક સહિતનો વિસ્ફોટક જથ્થો જપ્ત કર્યો છે, સાથે તમામ મુદ્દામાલની કિંમત રૂ. 1 લાખ 3 હજાર થવા જાય છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ ખેતરમાં આવેલા કૂવામાં ખોદકામ કરવા માટે ઉપયોગ કરવાના હતા.
આરોપીઓ પાસે આ વિસ્ફોટક સામગ્રી અંગે કોઈ બિલ કે કાયદેસરના આધાર પુરાવા મળ્યા નથી. આ ગંભીર બાબતને ધ્યાનમાં લેતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ નિઝર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 11824007250024/2025 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીઓ સામે એક્સપ્લોઝીવ એક્ટની કલમો ઉપરાંત BNSS કલમ 288, 54 તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ 1908ની કલમ 4, 5, 6 અને સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 5, 9(1)B, 12 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.




