
સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામમાં સૌર ઊર્જાના ઉપયોગથી કૃષિ ઉન્નતિની નવી દિશા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જે કે પેપર મિલ, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના સંયુક્ત ઉપક્રમે સોલર લિફ્ટ સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત સૌર ઊર્જા દ્વારા ગામના ખેડૂતોને વિનામૂલ્યે સિંચાઇ માટે જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉદ્દવહન સિંચાઇથી 50 એકર જમીન થશે લીલોચમ
આ યોજનાને રૂ. 18 લાખના ખર્ચે અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી આશરે 50 એકરથી વધુ જમીનને સિંચાઇનું પાણી મળવાની આશા છે. આ યોજનાના કાર્યાન્વયન સાથે, ગામના ખેડૂતો માટે કૃષિ ઉત્પાદન વધારવા અને પાણીની ઉપલબ્ધતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત
આ લોકાર્પણ કાર્યક્રમમાં જે કે પેપર મિલના હેડ મુકુલકુમાર વર્મા, પેપર મિલના પિયુષકુમાર મિત્તલ, મુન્ના કુમાર, યોગેશ ચૌહાણ, મધુકર વર્મા, પીયુષ ચતુર્વેદી, જિતેન્દ્ર પાલ અને મુકેશ ચોપડે હાજર રહ્યા હતા. સ્પર્શ સંસ્થાના હેડ મધુકર વર્માએ સોલાર ઊર્જા પર આધારિત સિંચાઇ પદ્ધતિઓ અને તેમના લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આમ, આ સોલર લિફ્ટ સિંચાઇ યોજના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે એક નવી આશાની કિરણ સાબિત થશે અને ખેતીમાં સ્થિરતા લાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.




