સાયણ ખાંડ ઉદ્યોગ મંડળીની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ અને કામરેજ તાલુકાના ભૂમિપુત્રોની કામધેનુ સમાન શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 51મી વાર્ષિક સાધારણ સભા સુગરના પ્રમુખ રાકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં એજન્ડા મુજબનાં તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતાં.
આ સભામાં સંસ્થાના પ્રમુખ રાકેશ પટેલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, દર બે-ત્રણ વર્ષે શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. જેના કારણે ખાંડ ઉદ્યોગમાં હંમેશાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. સને 2023-24ના વર્ષની પિલાણ સિઝનમાં સુગરમિલ 161 દિવસ કાર્યરત રહી કુલ 9.86 લાખ મેટ્રીક ટન શેરડીનું પિલાણ કરી સરેરાશ 10.51 ટકા રિકવરી સાથે 10.36 લાખ ક્વિન્ટલ તથા 1,950 ક્વિન્ટલ (બી.આઈ.એસ.એસ.) ખાંડનું ઉત્પાદન કર્યું હતું. જ્યારે સંસ્થાએ વર્ષ દરમિયાન 44,090 મેર્ટીક ટન મોલાસીસ ઉત્પાદન કરી ટન દીઠ રૂ. 12,003 મેળવ્યા હતાં.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત કુલ 34.18 લાખ લિટર રેક્ટીફાઈડ સ્પિરિટના ઉત્પાદનમાંથી 6.33 લાખ લિટર ડીનેચર્ડ સ્પિરિટનું રૂ. 61.86 ભાવે વેચાણ કર્યું હતું. જેના કારણે ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવો ચૂકવી શક્યા હતાં, પરંતુ હાલમાં શેરડીનો ઉતારો જોતા ગત વર્ષની સરખામણીમાં 5થી 10 ટકા જેટલું ઓછો થવાની શક્યતાઓ જણાઈ રહી છે. જો કે અમે ચાલુ વર્ષે અંદાજિત 9.50 લાખ મેટ્રીક ટન શેરડી પિલાણ અને સારી રિકવરી મેળવવાનો લક્ષ્યાંક સાથે તે દિશામાં વહીવટ કરી રહ્યા છે.
આ સભામાં સોંસકના સભાસદ કિરીટ પટેલ અને મીંઢીના રતિલાલ પટેલે સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં મેન્ડેટ આપવાની પ્રક્રિયા બંધ કરવા વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ પ્રશ્ન મામલે ચેરમેન રાકેશ પટેલે ખુલાસો આપતા જણાવ્યું કે, સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીઓમાં હજૂ સુધી કોઈને પણ મેન્ડેટ આપવામાં આવ્યો જ નથી. આ સભામાં માજી ડિરેક્ટર મોહન પટેલે ડુક્કરોના ત્રાસને નાથવા સુગર ફેક્ટરી જરૂરી કાર્યવાહી કરે એવી માગ સાથે નર્મદા સુગર વિસ્તારના ગામોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળતી નીલગાયના આગમનથી નજીકના દિવસોમાં સાયણ વિસ્તારમાં પણ પગપેસારો કરે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત સભાસદ અરવિંદ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો કે, વલસાડ સુગર પાસેથી સાયણ સુગરે વર્ષો જૂની લેવાની બાકી રકમ મેળવવા શું કાર્યવાહી કરી છે? તે બાબતે ચેરમેન વતી ડિરેક્ટર દર્શન નાયકે ખુલાસો આપી કહ્યું કે, આ બાકી રકમ મેળવવા બોર્ડ ખેડૂતોના હિતમાં જરૂરી કાર્યવાહી કરી રહી છે. આ સિવાય સભાસદોએ પૂછેલા વિવિધ પ્રશ્નોનો સંતોષકારક ખુલાસો સુગરના ચેરમેન રાકેશ પટેલે આપતા વિના વિઘ્ને સભામાં તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતાં. આ સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટરો, સભાસદ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


