અંકલેશ્વર- વાલિયા રોડ માટે 55 કરોડની ફાળવણી પણ R &Bના અધિકારીઓને કામગીરીના નિરિક્ષણ માટે સમય જ નથી

અંકલેશ્વરથી વાલિયાને જોડતો માર્ગ ચોમાસામાં બિસમાર બની ગયાં બાદ આજદિન સુધી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. હાલમાં આ ધોરીમાર્ગનું 55 કરોડના ખર્ચે નવીનકરણ કરાઇ રહયું છે પણ કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાની વ્યાપક બૂમો ઉઠી છે. રસ્તાને નવો બનાવવા ખાડાઓ ખોદી નાખવામાં આવ્યાં છે તેમજ નાળાઓ તોડી નાખવામાં આવતાં વાહન ચાલકોની મુશ્કેલી ઘટવાના બદલે વધી છે.
રસ્તાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ હસ્તક કરાઇ રહી છે. રસ્તાનો કોન્ટ્રાકટ મેળવનારી શિવાલિક નામની એજન્સીએ દિવાળી પછી કામગીરીની શરૂઆત કરી રસ્તાનું ખોદકામ એક બાજુનું કરી નવા નાળા બનાવવાની કામગીરી આડેધડ રીતે કરી હોવાની ફરિયાદ વાહનચાલકો કરી રહયાં છે. રસ્તો એકબાજુનો ખોદી તેને યોગ્ય બનાવવામાં આવતો નથી તથા નાળા બને છે તેમાં સળિયા અત્યારથી કાટ લાગી રહ્યો છે કપચી એકદમ સફેદ છાંટ વાળી ડસ્ટ વાળી અને રેતી સાવ દળવાળી જેમાં સિમેન્ટ પણ દેખાતી નથી આવી રીતે ચકાસણી અને નિગરાની કોઈ અધિકારી નહી કરતા હોવાની માહિતી મળી રહી છે.
સરકારે મંજૂર કરેલાં ટેન્ડર પ્રમાણે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે. ઉલ્લેખનીય છે કે, આ ધોરીમાર્ગ પરથી રોજના હજારો વાહનચાલકોની અવરજવર રહેતી હોય છે. સમગ્ર ઘટનાક્રમ અંગે અંકલેશ્વરના માર્ગ અને મકાન વિભાગના અધિકારી આશિષ બોરડાનો સંપર્ક નહિ થઇ શકતાં તેમની પ્રતિક્રિયા જાણી શકાય નથી.
રસ્તાના કામમાં વપરાતું મટીરીયલની ગુણવત્તાની ચકાસણી ગેરી સંસ્થા પાસે કરાવી રીપોર્ટ પ્રજા આગળ રજુ થાય તોજ ટકાઉ કામ થશે ગત વર્ષે ઝગડીયા રોડની કામગીરી સારી ન થાય તો પગલાં લઈશું કહેનારા નેતાઓ ઝગડીયા રોડની દુર્દશા ચાલુ થઇ ગઈ છે તે માટે સરકારમાં રજુવાત કરે તે જરૂરી છે. કમલેશ કોસમીયા, સ્થાનિક, વાલિયા




