નેત્રંગ ચાર રસ્તાથી જવાહર બજાર, ગાંધી બજાર સુધીનો CC રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના લાગ્યા આરોપો
રૂ. 5 લાખના ખર્ચે 10 મહિના પહેલા ગ્રામ પંચાયતે બનાવડાવી હતી

નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ 1300 મીટરનો સીસી રસ્તો નેત્રંગ ચાર રસ્તાથી જવાહર બજાર, ગાંધી બજાર સુધીનો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ સીસી રસ્તો જે એજન્સીએ બનાવ્યો તેણે આમાં મોટાપાયે ખાયકી કરી હોવાના પુરાવા રોજેરોજ મળતા રહે છે. તેમ છતાં આ એજન્સી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. શનિવારે સીસી રસ્તાની વચ્ચે ગટર બનાવવામાં આવેલી છે તે પણ 5 લાખના ખર્ચે જે ગટરમાં કાર ચાલક ગટરનું ઢાંકણું તૂટી જતા તેમાં તેની ગાડી પડી હતી અને ભારે નુકસાની ભોગવવી પડી હતી.
શનિવારે સાંજના 5.30 વાગ્યે નેત્રંગ તાલુકાના એક ગામડામાંથી ફોરવીલ ચાલક નેત્રંગ ખાતે ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી કરીને પરત તેના ઘરે જતો હતો ત્યારે તેની કાર રસ્તાની વચ્ચે ગટર ઉપર આવતા ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું અને તેની ગાડી ગટરમાં ખાબકી હતી. હાલ મહિના પહેલા ગ્રામ પંચાયતે ઠરાવ કરી નવા સીસી રસ્તાની વચ્ચે બનાવવામાં આવેલ ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા હતા.
આ ડિવાઈડરની નીચે ગ્રામ પંચાયત દ્વારા પાંચ લાખના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી. ગટરના કામમાં ગોબાચારી થઈ હોવાને લીધે આજે તેમાં એક ફોરવીલ ચાલક પડ્યો હતો. 8 મહિના પહેલા બનાવવામાં આવેલ સીસી રસ્તો એક વર્ષ પણ ટકી શક્યો નથી અને ગટર પણ તદ્દન હલકી કક્ષાની ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરી બનાવવામાં આવતા આજે લોકોને માટે ત્રાસદાયક બની ગઈ છે.
ડિવાઇડર કાઢી નાખતાં સમસ્યા
ગયા વર્ષે ઓકટોબર મહિનામાં ગટર ગણેશ બોરવેલ એન્ડ કન્ટ્રક્શન નામની એજન્સી એ આશરે પાંચ લાખમાં બનાવી છે . ગટર તો બરાબર બનાવેલી છે પરંતુ ડિવાઈડર કાઢી નાખતા તેની ઉપર ભારે વાહન ચાલતા ગટરનું ઢાંકણું તૂટી જાય છે . > ભીમસિંહ વસાવા, તલાટી, નેત્રંગ




