ડાંગ

ડાંગ જિલ્લામાં વર્ષ 2024-25ના ખેલ મહાકુંભમાં 83,748 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું

ડાંગ જિલ્લામાં વર્ષ 2024-25ના ખેલ મહાકુંભમાં 83,748 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ઓપન એજ ગૃપમાં 45,949 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યમાં હાલમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ 3.0માં આ વર્ષે રેકર્ડ બ્રેક 71 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ 83,748 ખેલાડીઓએ વિવિધ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ડાંગમાં કુલ 7468 જેટલી ટીમનું ગૃપ રજીસ્ટ્રેશન થયું છે. જેમાં વય જુથ પ્રમાણે અંડર-9 એજ ગૃપમાં 3005, અંડર-11 એજ ગૃપમાં 4172, અંડર-15માં 294, અંડર-17 એજ ગૃપમાં 14,393, 40 વયથી વધુ વય જુથમાં 578 તેમજ ઓપન એજ ગૃપમાં કુલ 45,949 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. ડાંગ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 ની રમતોમાં ગ્રામ્ય, તાલુકા કક્ષાની રમતો પુર્ણ થઇ છે. જ્યારે હાલમાં જિલ્લા કક્ષાની વિવિધ રમોતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ વયજુથોની આ રમતો 31 જાન્યુઆરી સુધી જિલ્લામાં યોજાનાર છે.

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0માં આ વર્ષે વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરાનાર છે. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય (વુમન્સ) ખો-ખો ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેમાં ડાંગની દીકરી ઓપીના ભિલારે પણ ભાગ લીધો હતો. ઓપીના ભીલાર ખો-ખો રમતમાં શરૂઆતથી જ રસ ધરાવતી હતી. ખેલ મહાકુંભ થકી તેણીને આગળ જવામાં ઘણી જ મદદમળી છે.

આ ઉપરાંત ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાયેલી ડાંગની આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સની રીલે દોડમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સરિતા ઉપરાંત ઓલિમ્પિક રમતની તૈયારી કરી રહેલા અને ડાંગ એક્સપ્રેસના નામે જાણીતા યુવક મુરલી ગાવિતે સને 2022મા કર્ણાટકમાં યોજાયેલી ‘નેશનલ ઓપન એથ્લેટીક્સ ગેમ’મા ભાગ લઈ દસ હજાર મીટર દોડની સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવી, સમગ્ર ડાંગ જિલ્લા અને ગુજરાત રાજ્યને ગૌરવ આપાવ્યુ છે.

આમ, આ તમામ ખેલાડીઓને આગળ વધવા સાથે રમતમાં આગવું સ્થાન અપાવવા માટે ખેલમહાકુંભની રમતનો સિંહફાળો રહ્યો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યિક શાળાઓ અને તમામ એકલવ્ય શાળાઓના બાળકોએ ખેલમહાકુંભમાં આગવુ પ્રદર્શન કરી જિલ્લા અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

ડાંગ જિલ્લામાં હાલ જિલ્લા કક્ષાની હોકી, યોગાસન, ચેસ, કબડ્ડી, બેડમિન્ટન, ખો-ખો, બાસ્કેટબોલ, લોનટેનિસ, શુટિંગ બોલ, રગ્બી, રસ્સાખેંચ, સ્કેટીંગ, આટીસ્ટીક સ્કેટીંગ, ફૂટબોલ, આર્ચરી, વોલીબોલ, જુડો, ટેબલ ટેનીસ, કુસ્તી જેવી વિવિધ રમતો પૂર્ણ થઇ છે. જ્યારે 31 જાન્યુ. સુધી કરાટે, હેન્ડબોલ, ટેકવેન્ડો, એથ્લેટીક્સ રમતો યોજાનાર છે. ખેલ મહા કુંભમાં આ તમામ રમતો આવરી લેવાતા હોય ડાંગના ખેલાડીઓ મોટી સંખ્યામાં ભાગ લઇ પોતાના કરતબો દેખાડી રહ્યાં છે.

Related Articles

Back to top button