
ડાંગ જિલ્લો પ્રાકૃતિક સંપદાઓથી ભરેલો છે. પ્રકૃતિ પ્રેમી સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરાઇ રહેલ ડાંગના જંગલની જાળવણી અંગેની કામગીરી સરાહનીય છે તેમ વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીS મુકેશભાઇ પટેલ દ્વારા જણાવ્યું હતું. મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું ડાંગ જિલ્લાના ભગતોની રજુઆત પર વન વિભાગ દ્વારા લુપ્ત થતી ઔષધિઓ ફરીથી ઉગાડવાના પ્રયાસ કરવામા આવી રહ્યા છે.
ડાંગ જિલ્લામા પાણીનો પ્રશ્ન દુર કરવા માટે સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટેની રૂ. 866 કરોડની યોજના મંજૂર કરવામા આવી છે તેમજ રૂપિયા 91 કરોડના ખર્ચે 21 ચેકડેમો મંજુર કરવામા આવ્યા છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા ચેકડેમોનુ નિર્માણ કરવામાં આવશે. જેથી તેમા પાણી સંગ્રહિત થઇ શકશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. ડાંગ જિલ્લા વન વિભાગ હસ્તકની માલકી યોજના, વનલક્ષ્મિ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, વનધન વિકાસ યોજના અંગે જિલ્લાના વિવિધ રેંજ વિભાગની મંડળીઓ તેમજ લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા.
આ સાથે જ ગ્રામ પંચાયતના વિકાસ માટે વાંસ કાપ અંગેના અધિકાર પત્રો પણ આહવા, ચીચીનાગાવઠા, ચિકાર, ભોગડીયા, ઘોડી તેમજ જામનપાડા ગ્રામ પંચાયતને અપાયા હતા. આ સાથે સાપુતારા સાંદિપની શાળાના તેજસ્વી તારલાઓ તેમજ રમતવીરોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.




