
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલદા ગામમાં સરકાર દ્વારા 13-14 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલ “રાજીવ ગાંધી ભવન”ની તૂટેલી બારીઓ અને ખરાબ હાલતને લઈને ગ્રામવાસીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર આજ સુધી આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરતું નથી, જ્યારે મકાનની એક દિવાલ પરની બારીઓ તો અદૃશ્ય થઈ ગઈ છે અને બીજી બાજુની બારીઓ તૂટીને લટકી રહી છે.
ગ્રામવાસીઓનો ઉપયોગ, પણ જીર્ણોદ્ધાર નહીં
આ ભવનનો ઉપયોગ ગામલોકો સામાજિક કાર્યક્રમો, બેઠકો અને સરકારી કાર્યક્રમો માટે કરે છે. છતાં, લાંબા સમયથી બારીઓની જર્જરિત સ્થિતિને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. ગ્રામવાસીઓએ ફરિયાદ કરી છે કે, “મકાનની સુરક્ષા અને સફાઈની અવગણના થાય છે, જ્યારે આ જગ્યા સાર્વજનિક કાર્યો માટે મહત્વપૂર્ણ છે.”
સ્થાનિક તંત્ર પર ગંભીર પ્રશ્નો
સરકારી ફંડથી બંધાયેલ આ મકાનના રાખરખવાની જવાબદારી કોની? એ પ્રશ્ન ગામમાં ઊભો થયો છે. લોકોનો આરોપ છે કે, “જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.” તૂટેલી બારીઓથી મકાનની મજબૂતાઈ પર પણ અસર થઈ શકે છે અને ચોમાસુમાં વધુ નુકસાનની શક્યતા છે.
માંગ: તાત્કાલિક સમારકામ અને તપાસ
ગ્રામવાસીઓએ સ્થાનિક પંચાયત અને તાલુકા પ્રશાસન પાસે તાત્કાલિક સમારકામ અને જવાબદારી સ્પષ્ટ કરવાની માંગ કરી છે. આ મામલે જિલ્લા અધિકારીઓનું ધ્યાન આપવા અને જીણવાર તપાસ કરાવવાની જરૂર છે, જેથી લોકધનનો દુરુપયોગ અટકે.





