
ગણદેવી તાલુકાના એંધલ ગામના પશુ દવાખાનાથી ને.હા.નં. 48ને જોડતો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ માર્ગ ટૂંકો અને સરળ હોવાથી ગામના લોકો તેનો વ્યાપક ઉપયોગ કરે છે, પરંતુ ગટર, ખાડાઓ અને ધૂળથી ભરપૂર હોવાથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
35 લાખની મંજૂરી છતાં કામ શરૂ નથી થયું
આ માર્ગના સુધારા માટે 35 લાખ રૂપિયા મંજૂર થયા હતા અને નવસારીના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, મહિનાઓ પસાર થઈ જતાં હજુ સુધી કામ શરૂ થયું નથી. એંધલ-ખાપરીયા માર્ગ માટે 50 લાખ રૂપિયાની મંજૂરી મળી હોવા છતાં તેનું પણ કોઈ પરિણામ જોવા મળ્યું નથી.
ચોમાસાની આગાહી સાથે લોકોમાં ચિંતા
હવે માત્ર બે મહિના પછી ચોમાસું શરૂ થઈ જશે, જેમાં આ માર્ગની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આથી ગ્રામવાસીઓએ માર્ગ મકાન ખાતાના અધિકારીઓને કડક સૂચના આપીને કોન્ટ્રાક્ટર પાસે તાત્કાલિક કામ શરૂ કરાવવાની માંગ કરી છે. લોકોની ફરિયાદ છે કે, મંજૂર થયેલી રકમનો ઉપયોગ શા માટે નથી થઈ રહ્યો? જો ચોમાસામાં કામ થયું નહીં, તો પછી આ માર્ગ ક્યારે બનશે?”
અધિકારીઓ તરફથી કાર્યવાહીની માંગ
સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓએ માર્ગ મકાન ખાતાના અધિકારીઓને આ માર્ગનું કામ ઝડપથી પૂરું કરવા દબાણ આપ્યું છે. લોકોની માંગ છે કે, “કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ આપી કામ શરૂ કરવા બજાવ ફરમાવવો જોઈએ, નહીંતર લોકો વધુ પ્રદર્શન કરશે.”
આ બાબતે માર્ગ મકાન ખાતાના અધિકારીઓએ ક્યારે કાર્યવાહી કરશે, તે સવાલ લોકોના મનમાં ઊભો થયો છે.





