પીપળકુવા ગામના ખેતરાડી વિસ્તારમાં ફરતો દીપડો

સોનગઢ તાલુકાના પીપળકુવા ગામના ખેતરાડી વિસ્તારમાં છેલ્લાં દોઢેક માસથી ખેતરાડી વિસ્તારમાં એક દીપડો અવારનવાર દેખાતો હોય ગ્રામજનોના ગભરાટની લાગણી જોવા મળી રહી છે. આ અંગે પીપળકુવા ગામના સરપંચ દિપ્તેશભાઈ મનુભાઈ અને કમલેશભાઈ ગામીત સહિતના આગેવાનોના જણાવ્યા મુજબ પીપળકુવા ગામના દાદરી ફળિયા વિસ્તારની સીમમાં છેલ્લા કેટલાક સમયથી એક દીપડો ફરી રહ્યો છે. ગત અઢારમી ઓગસ્ટના રાત્રીના સમયે આ દીપડાએ એક બકરીનો શિકાર કર્યો હતો, જે તે સમયે વન વિભાગ દ્વારા પંચનામું સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછી પણ ગત માસમાં દીપડો એક ઘરમાં ઘુસી ગયો હતો પણ સદનસીબે દીપડો કોઈ પણ પ્રકારના નુકશાન કર્યા વિના ફરી ખેતરાડી તરફ નાસી ગયો હતો. આ બનાવ બાદ સ્થાનિક ગ્રામજનોની રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા દીપડાની અવરજવરની આસપાસ પાંજરું ગોઠવવામાં આવ્યું છે પણ હજી સુધી આ પાંજરાંમાં દીપડો પુરાયો નથી જેથી સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.




