
તાપી જિલ્લાના ઘાણી ગામ ખાતે આવેલ ઉત્તર બુનિયાદીમાં આજરોજ સવારે એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટના બની હતી.
મૃતકનાં પિતાએ તેના પુત્રે આત્મહત્યા નહીં પણ તેની હત્યા થઈ હોય, અથવા કોઇ અણબનાવ બન્યો હોઇ શકે, એ શંકાના આધારે આ તમામ ઘટનાની સંપુર્ણ તપાસની માંગ કરી, જવાબદાર શાળા સંચાલકો અને તમામ ટ્રસ્ટીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
ડોલવણ તાલુકાના ધાણી ખાતે ઉત્તર બુનિયાદી શાળામાં ધો.10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વલસાડનાં કપરાડા તાલુકાનો સંદિપ કાવજીભાઇ ડગડાનો આજરોજ મળસ્કે 4.00 કલાક પહેલા હર કોઇ વખતે ધાણી આશ્રમશાળામાં હોસ્ટેલની પાછળ પજારીના ભાગે લોખંડની એંગલ સાથે નાયલોનનાં પટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ વિદ્યાર્થીના પિતા કાવજીભાઇ ધાકુભાઇ ડગળાની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે, હાલ આ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યાનું રહસ્ય અકબંધ રહ્યુ છે.
સંદીપના પિતા કાવજીભાઇ ડગળાએ ડોલવણ પી.એસ.આઇ.ને ફરિયાદમાં જણાવ્યુ છે કે, ફરજ પરનાં ઉમાબેન નામનાં કર્મચારીનો સવારે 4:30 કલાકે તેમના ઉપર પર ફોન આવ્યો હતો, કે તમારા દીકરા સંદીપે ફાંસો ખાઈ લીધો છે. તેઓ સવારે આશ્રમશાળા પહોંચી ગયા હતા. ત્યારે તેઓની જાણ બહાર તેમના પુત્રનો મૃતદેહ ઉતારી લેવામાં આવ્યો હતો. માટે તેઓએ તેમના પુત્ર સાથે કોઇ અઘટીત ઘટના ઘટી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમને સાચી હકિકતથી અજાણ રાખવામાં આવ્યા છે. ઘટના સ્થળે જોતા કમરમાં બાંધવાનાં પટ્ટા દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી, જેથી તેમણે આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોય ક્યાં તો કોઇ અણબનાવ બન્યો હોવાની આશંકાઓ વ્યક્ત કરી છે.



