
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈને વઘઇ તાલુકાની બરડા (વઘઇ) પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. દરમિયાન કેટલીક ગંભીર બાબતો સામે આવી હતી. જેને લઈને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. સમગ્ર મામલાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસના આદેશ અપાયા હતા. ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈને 8મી ડિસેમ્બરના રોજ વઘઇ તાલુકાની બરડા(વઘઇ) પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં એક શિક્ષક નિવૃત થતા હાલમાં એક જ શિક્ષક સેવા બજાવી રહ્યા છે, જેની અસર શિક્ષણકાર્ય પર પડી રહી હોવાનું સામે આવ્યું હતું તેમજ શિક્ષકની જગ્યા ખાલી હોય શાળા તરફથી કે ટીપીઓ તરફથી જાણ કરાઇ છે કે કેમ તે પ્રશ્ન છે.
ટીપીઓ દ્વારા આ શાળાની કેટલી વખત મુલાકાત લેવામાં આવી છે અને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં અહીં કયા કારણસર શિક્ષક મુકાયા નથી ? આ શાળાના વિદ્યાર્થીઓ રસ્તામાં પગપાળા આવી રહ્યાં હતા ત્યારે પ્રમુખે તેઓને પૂછતા તેઓ વઘઇમાં આયોજીત વિજ્ઞાન મેળામાં પગપાળા ગયા અને આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તો તેઓ કોની સૂચનાથી ગયા હતા ? અને નિર્દોષ બાળકો માટે વાહનની સુવિધા કરવામાં કેમ ન આવી ?. બરડા પ્રાથમિક શાળાની મુલાકાત સમયે આ પ્રકારની કેટલીક ગંભીર ભૂલો સામે આવી હતી.જેને લઇને ડાંગ જિ. પં. પ્રમુખ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી ત્રણ દિવસમાં સમગ્ર મામલાને લઈને સ્પષ્ટતા કરવામાં તાકીદ કરી હતી.




