ભારતનું કુલ દેવું વધીને 204 લાખ કરોડને પાર પહોંચ્યું, કેન્દ્ર સરકાર પર કેટલો છે બોજ?

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. પરંતુ તેની સાથે દેશ પર દેવાનો બોજ પણ વધી રહ્યો છે, આ અમે નથી કહી રહ્યા પરંતુ આંકડાઓ જણાવી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનું કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડૉલર અથવા 205 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જોકે, આ દરમિયાન ડૉલરની કિંમતમાં વધારાની પણ અસર થઈ છે, જેના કારણે દેવાનો આંકડો વધી ગયો છે.
દેશના કુલ દેવા પર કેટલો વધારો થયો?
PTIના અહેવાલ મુજબ, અગાઉ ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, કુલ દેવું 2.34 ટ્રિલિયન ડોલર અથવા લગભગ 200 લાખ કરોડ રૂપિયા હતું. ઇન્ડિયાબોન્ડ્સ ડોટ કોમના સહ-સ્થાપક વિશાલ ગોએન્કાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટાને ટાંકીને કેન્દ્ર અને રાજ્યો પર દેવાના આંકડા રજૂ કર્યા છે.
204 લાખ કરોડમાં રાજ્યોનો હિસ્સો 24 ટકા
તેમણે કહ્યું છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેન્દ્ર સરકારનું દેવું 161.1 લાખ કરોડ રૂપિયા હતું, જે માર્ચ ક્વાર્ટરમાં 150.4 લાખ કરોડ રૂપિયા હતું. આ સાથે જણાવવામાં આવ્યું છે કે કુલ દેવામાં રાજ્ય સરકારોનો હિસ્સો 50.18 લાખ કરોડ (24.4 ટકા) રૂપિયા છે. નોંધનીય છે કે આ સમયગાળા દરમિયાન યુએસ ડૉલરના મૂલ્યમાં થયેલા વધારાની અસર પણ આ દેવાના આંકડા પર પડી છે. વાસ્તવમાં, તે પણ સમજી શકાય છે કે માર્ચ 2023 મહિનામાં એક ડોલર 82.5441 રૂપિયા હતો, જે હવે વધીને 83.152506 રૂપિયા થઈ ગયો છે.




