દેશ
મુંબઈ બોંબ ધમકી બાદ તરત દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની પાછળ બ્લાસ્ટ, કોણે કર્યો અને કેમ?
દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ થતાં સનસનાટી મચી હતી. અજાણ્યા કોલરે ફોન કરીને બ્લાસ્ટની માહિતી આપી હતી.

- દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ
- સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી
- આતંકી હુમલો હોવાની શક્યતા
- આજે મુંબઈમાં આરબીઆઈ સહિત 11 બેન્કોને ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી
આજે દેશમાં બે મોટી ઘટના બની છે. પહેલા મુંબઈ આરબીઆઈ સહિત 11 બેન્કોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યાંના થોડા કલાકોમાં દિલ્હીમાં ડો.અબ્દુલ કલામ માર્ગ પર આવેલી ઈઝરાયલી દૂતાવાસની પાછળ પડેલા ખાલી પ્લોટમાં વિસ્ફોટ થતાં ચિંતા વ્યાપી હતી. બ્લાસ્ટની ખબર મળતાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.
કોઈએ ફોન કરીને બ્લાસ્ટની ખબર આપી
ઈઝરાયલી દૂતાવાસની પાછળ પડેલા ખાલી પ્લોટમાં થયેલા બ્લાસ્ટની ખબર કોઈએ ફોન કરીને પોલીસને આપી હતી. આજે સાંજે લગભગ 6 વાગ્યે, દિલ્હીના ફાયર સર્વિસ વિભાગને એક અનામી કોલરનો ફોન આવ્યો હતો, જેણે અધિકારીઓને કથિત વિસ્ફોટ વિશે માહિતી આપી હતી. આ પછી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. આ કેસની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.




