માંગરોળ તાલુકાના ગામોમાં ભૂંડનો ત્રાસથી કંટાળી ગ્રામજનોએ દીપડા સાથે દોસ્તી કરી
સુરત જિલ્લાનું એક એવું ગામ જ્યાં દીપડાને ગ્રામજનો આવકારો આપે છે

આજે અમે તમને સુરત જિલ્લાનું એક એવું ગામ બતાવીશું જ્યાં હિંસક દીપડા જેવા પ્રાણીને ગ્રામજનોએ મિત્રનો દરજ્જો આપ્યો છે. ગામમાં વારંવાર દીપડાઓ દેખાવા છતાં ગ્રામજનો દીપડાને પાંજરે પુરવા તૈયાર નથી. ગ્રામજનો કહે છે કે, દીપડો અમારા ગામ માટે નુકશાનકારક નહિ પરંતુ ફાયદાકારક છે. આખરે એવું તો શું કારણ છે કે દીપડા જેવા ખૂંખાર પ્રાણીને ગ્રામજનો મિત્રતુલ્ય ગણે છે અને સુરત જિલ્લામાં કયુ ગામ છે જ્યાં દીપડો ગ્રામજનો માટે મિત્ર સાબિત થયો છે.
સામાન્ય રીતે હેરાન અને નુકસાન પહોંચાડનાર ઉંદર જેવા નાનામાં નાના જીવથી પણ છુટકારો મેળવવા માટે આપણે તેને પાંજરે પુરી દેતા હોઈએ છીએ, પરંતુ સુરતમાં ખુંખાર ગણાતા દીપડા જેવા જાનવરને લોકો પાંજરે પુરવા નથી માંગતા. સુરત જિલ્લાના છેવાડે જંગલ વિસ્તારમાં આવેલા માંગરોળ તાલુકાના વેલાછા ગામે છાશવારે ખૂંખાર દીપડાઓ દેખાવા છતાં ગ્રામજનો દીપડાને પાંજરે પુરવા તૈયાર નથી. એટલું જ નહિ ગ્રામજનોના મતે એવું પણ માનવું છે કે દીપડો કદી માનવભક્ષી હોતો નથી. જેથી વેલાછા ગામના ગ્રામજનો દીપડા જેવા હિંસક પ્રાણીને તેમનો મિત્ર માને છે અને તેને પ્રેમ પણ એટલો જ કરે છે આખરે એવું તો શું કારણ છે કે આસરમાં ગામના લોકો દીપડા જેવા હિંસક પ્રાણીને પાંજરે પુરવા નથી માંગતા.
સુરત જિલ્લાના છેવાડે આવેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં દીપડાઓ વસવાટ કરે છે. વીતેલા વર્ષમાં દીપડા દ્વારા માનવીઓ ઉપર ઘાતક હુમલાની ઘટનાઓ પણ બહાર આવી છે. જેને લઇને આ વિસ્તારના નાગરિકોએ જંગલ ખાતેને દીપડા પકડવા પાંજરું ગોઠવવા જણાવ્યું હતું. દીપડાના આંટાફેરાથી લોકો રાત્રે ઘર બહાર નીકળતા કે ખેતરે જતા ગભરાતા હોય છે. ત્યારે માંગરોળ તાલુકાનું વેલાછા ગામ છે જે દીપડાને પોતાની સીમમાં છોડી જવા જંગલ ખાતાને જણાવે છે, ત્યારે આસરમાં ગામના ખેડૂત સહિત નાગરિકો દીપડાને આવકારી જંગલ ખાતાના અધિકારીઓ ને કહે છે કે દીપડાને અમારા ગામની સીમમાં છોડી જાવ.
દીપડાના જનૂની સ્વભાવથી લગભગ તમામ આબાલ વૃદ્ધ વાકેફ હોય છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં રહેતા તથા જંગલને અડીને આવેલા ગામડાઓના નાગરિકો પણ દીપડાથી દૂર રહેતા હોય છે. ત્યારે વેલાછા ગામના લોકોને દીપડાનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી, ગામની સીમમાં હાલની તારીખમાં પણ દીપડાઓ ફરતા હોવાની જાણ હોવા છતા ગામના લોકો દીપડાના કોઈપણ પ્રકારના ડર વિના જીવી રહ્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે, ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ફરે છે. ગામના કેટલાક લોકોની નજરે પણ આવે છે, પરંતુ દીપડાએ અત્યાર સુધી ગામમાં કોઈપણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડ્યું પરંતુ દીપડો ગામ માટે ફાયદા કારક સાબિત થયો છે. છેલ્લા ઘણા સમયથી માંગરોળ તાલુકાના ગામોમાં ભૂંડનો ત્રાસ બહુ વધી ગયો છે. ખેતરોમાં ભૂંડ જેવા જાનવરો ખેડૂતોની શેરડી, કેળા જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. જેથી ખેડૂતો ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં જ્યારથી ગામની સીમમાં દીપડાના આંટાફેરા વધ્યા છે, ત્યારથી ખેડૂતોના ખેતરોમાં ભૂંડથી થતાં પાક નુકશાનીમાં ઘટાડો નોંધાયો છે. ખેતરોમાં દીપડાના આંટાફેરાને લઈ ભૂંડનો ત્રાસ ઓછો થયો છે. જેના કારણે ખેતરોમાં ખેડૂતોના ઉભા પાકનું નુકશાન થતું અટકી ગયું છે.



