કાકરાપારમાં બિનવારસી મળેલી કાર પ્રકરણમાં તંત્ર નિદ્રાંધિન
સ્ટેટ સેલના પોલીસની કાર હોય ઢીલાશ લીધી હોવાની ચર્ચા

તાપી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની ખાનગી ગાડીને બુટલેગરની ઇનોવા કારે ટક્કર મારી કચ્ચરઘાણ કરી નાખવાની ઘટનામાં કાકરાપાર પોલીસ મથકમાં બિનવારસી હાલતમાં કબ્જે લેવાયેલી ઇનોવા કારનું સ્થાનિક પોલીસ દ્વારા સાયંટિફિક ચકાસણી નહીં કરાતા ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી તરફ પોલીસ સાથે બુટલેગર ગાડીમાં હોવાની બાબતને લઈ પણ પોલીસ બેડામાં ચર્ચા ચાલી છે. તાપી જિલ્લાના સોનગઢના લિસ્ટેડ બુટલેગરની ગાડી પકડવા ગયેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ખાનગી ગાડીને લિસ્ટેડ બુટલેગરે ટક્કર મારી કચ્ચરઘાણ કરી ઇનોવા કારનું ટાયર ફાટતાં કાર કાકરાપાર પોલીસ મથકની હદમાં છોડી ફરાર થઈ જવાની ઘટનાને પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, 102 મુજબ કબ્જે કર્યા બાદ સ્થાનિક પોલીસે પણ આ પ્રકરણમાં ગંભીરતાથી તપાસ હાથ ધરી ન હતી અને આ મુદ્દે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સાથે હાજર પંટર ચર્ચાનો વિષય બન્યો છે. આ પંટર ભૂતકાળમાં બારડોલી પોલીસ સ્ટેશનની હદમાં બારડોલી પોલીસ સાથે વાંકું પડતાં સ્ટેટ મોનિટરિંગની ટીમના જે તે સમયના પોલીસ કર્મચારી સાથે સ્થાનિક પોલીસને નુકસાન કરવા માટે વિદેશી દારૂનો જથ્થો મંગાવી ખોટો કેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે તે સમયે આ જથ્થો બારડોલીની જગ્યાએ માંડવી પોલીસ સ્ટેશનની હદમાં મળી આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ બાબતે પોલીસ તે સમયે પણ ભીનું સંકેલ્યું હતું. પરિણામે સમય જતાં ફરી આ પંટર હવે સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સક્રિય થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.




