
દક્ષિણ ગુજરાતમાં વધી રહેલી દીપડાની વસ્તીને લઈ સરકાર દ્વારા સુરત જિલ્લાના માંડવીના ખોડાંબા અને વઘઇમાં 2021 સુધીમાં લેપર્ડ સફારી પાર્ક બનાવવા માટે તજવીજ હાથ ધરાય હતી, જો કે 2024 થવા છતાં હજી સુધી લેપર્ડ પાર્કની સ્થળ પર કોઈ તૈયારી જોવા મળતી નથી. આ પ્રોજેકટ હાલ માત્ર કાગળ પર જ રહી ગયો છે.
દક્ષિણ ગુજરાતમાં દીપડાની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખેતરાડી વિસ્તારથી લઈ રહેણાક વિસ્તારોમાં પણ દીપડા ઘૂસી આવતા લોકોમાં ગભરાટ છે. સુરત જિલ્લાના લગભગ દરેક તાલુકામાં દીપડાનો ત્રાસ વધી ગયો છે. બે દિવસ પૂર્વે માંડવીના કોસાડી ગામે એક દીપડો ઝાડ પર બેઠેલા મરઘાંનો શિકાર કરવા જતાં દીપડો એક મકાનના છાપરું તોડીને ઘરમાં પડ્યો હતો. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દીપડા જેવા પ્રાણીઓને સુરક્ષિત જગ્યા અને યોગ્ય વાતાવરણ મળે તે અંતેની માગ અવારનવાર ઉઠી રહી છે.
ત્યારે થોડા વર્ષો પૂર્વે સરકારે દક્ષિણ ગુજરાતમાં બે લેપર્ડ સફારી બનાવવા માટેની યોજના ઘડી હતી. જેમાં સુરત જિલ્લામાં માંડવી તાલુકાનાં ખોડાંબા ગામે અને ડાંગ જિલ્લાના વઘઇમાં બે અલગ અલગ લેપર્ડ સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ પણ પ્રાથમિક મંજૂરી આપી હતી. આ લેપર્ડ પાર્કમાં ગીરના જંગલમાં જેમ ખુલ્લી જીપમાં બેસીને સહેલાણીઓ સિંહ દર્શન કરી શકે છે તેવી રીતે આ પાર્કમાં પણ દીપડાને ફરતા જોઈ શકાય તેવી યોજના માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજું સુધી કોઈ પ્રગતિ નહી જણાતા, પ્રોજેક્ટ માત્ર કાગળ પૂરતો જ સીમિત રહ્યો છે. જેને શરૂ કરવા માટે સ્થાનિક નેતાઓ પણકોઈ રસ રાખ્યો નથી.
કામ કેમ અટવાયું ખબર નથી : ગણપત વસાવા
ખોડાંબા ખાતે દીપડાનું રેસ્ક્યું સેન્ટર બનાવવા માટે મારા સમયે બજેટ પણ મંજૂર થઈ ગયુ હતું. પરતું ત્યારબાદ કયા કારણસર કામ આગળ વધી શક્યું નથી એ મને જાણકારી નથી. > ગણપતવસાવા, માજી વન પર્યાવરણ મંત્રી અને હાલ માંગરોળ ધારાસભ્ય
સ્થાનિકોના વિરોધ બાદ પ્રોજેક્ટ ડ્રોપ : DFO
ખોડાંબામાં લેપર્ડ સફારી માટેનો પ્રોજેકટ મંજૂર થઈ ગયો હતો, પરંતુ મારી જાણકારી મુજબ આજુ બાજુના ગામના લોકોએ વિરોધ વ્યક્ત કરતા આખો પ્રોજેક્ટ ડ્રોપ કરવામાં આવ્યો છે. >આનંદ કુમાર, ડી.એફ.ઓ. સુરત
ખોડંબા પાસે 50 હેક્ટર વિસ્તારમાં 15 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રોજેક્ટ વહીવટી આંટીઘુંટીમાં અટવાયો
ખોડાંબામાં કાર્યવાહીના નામે મીંડું માંડવીના ખોડાંબા ખાતે 2021 સુધીમાં 15 કરોડના ખર્ચે 50 હેક્ટર વિસ્તારમાં આ સફારી પાર્ક બનવાનું હતુ. જો કે 2024નું વર્ષ ચાલુ થઈ ગયું છતાં ખોડાંબામાં સફારી પાર્કની કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. આ પ્રોજેકટમાં રેસક્યું કરીને લાવવામાં આવતા દીપડાને રાખવામાં આવનાર હતા. આ ઉપરાંત દીપડાના સારવાર માટે હોસ્પિટલ સફારી ટેઈલ, ઓફિસ સ્ટાફનું રહેઠાણ અને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ બનાવવાનું નક્કી થયું હતું. જો કે હાલ તો આસફારી પાર્કમાં કાગળ પર જ દીપડા દોડાવવામાં આવી રહ્યા છે.




