નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે ઉદ્યોગ કમિશ્નર સંદીપ સાંગલેની નિયુક્તિ
ભુતકાળમાં નર્મદા જિલ્લાના કલેક્ટર રહી ચુક્યા છે સંદીપ સાંગલે

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતેની ઉદ્યોગ કમિશ્નરની કચેરીમાં ઉદ્યોગ કમિશ્નર તરીકેની ફરજ બજાવતા આઈએએસ અધિકારી સંદીપ સાંગલેની નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ કરી છે. નર્મદા જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ ડેડીયાપાડા અને સાગબારાના પણ પ્રભારી તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતેની ઉદ્યોગ કમિશ્નરની કચેરીમાં ઉદ્યોગ કમિશ્નર તરીકે ફરજ બજાવતા સંદીપ સાગલે નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકેની અગાઉ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે.
નર્મદા જિલ્લાની તમામ પરિસ્થિતિ, નર્મદા જિલ્લાની સમસ્યાઓ જેમ કે શૈક્ષણિક સમસ્યા, આરોગ્ય લક્ષી સમસ્યા, રોજગારીની સમસ્યા જેવી તમામ સમસ્યાઓથી વાકેફ હોય તેઓના બહોળા અનુભવનો લાભ નર્મદા જિલ્લા વાસીઓને મળશે.
નર્મદા જિલ્લાના અધિકારીઓ સાથે સંકલન સાંધી તેઓ જિલ્લાની સમસ્યાઓને હલ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવે એવો આશાવાદ પણ નર્મદા જિલ્લાવાસીઓ તેમની પાસે સેવી રહ્યા છે.
ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાંગલે નર્મદા જિલ્લા કલેક્ટરની ફરજ બજાવ્યા બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ભરૂચથી પાલનપુર કલેક્ટર તરીકે અમદાવાદ કલેક્ટર તરીકે તેમજ ગાંધીનગર મ્યુનિસીપલ કમિશ્નર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે. અને હાલ તેઓ ગાંધીનગર ખાતે ઉદ્યોગ કમિશનર તરીકેની સેવા બજાવી રહ્યા છે. રાજ્ય સરકારે તેઓને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ ગાંધીની જગ્યાએ નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તરીકેની નિમણૂક કરી છે.



