માંડવી તાલુકામાં કવોરી સ્ટોનનો વિરોધ યથાવત
અરેઠ ગામે સ્ટોન કવોરીના વિરોધમાં ગ્રામજનોએ ગામ બંધ રાખી વિરોધ નોંધાવ્યો

માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલ કવોરી સ્ટોનનો વિરોધ ફરી એકવાર આજરોજ ગ્રામજનોએ કર્યો હતો. ગ્રામજનોએ કરેલ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગામની સીમમાં ધમધમી રહેલ કવોરી સ્ટોન વિરૂદ્ધ સ્થાનિકો એ બાયો ચડાવી છે. કવોરી સ્ટોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગ્રામજનો એકઠા થયા હતા અને સંપૂર્ણ ગામ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના વિરોધને લઈને જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે ગ્રામજનોએ પોલીસને મચક ન આપતા તમામ આગેવાનોને ડીટેઈન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.
કવોરી સ્ટોનના કારણે ગ્રામજનોની ઉંઘ હરામ થઈ ગઈ છે
અરેઠ ગામની સીમમાં ધમધમી રહેલ કવોરી સ્ટોનનો કારણે ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કવોરી સ્ટોનમાં કરવામાં આવતા બ્લાસ્ટને લઈને સ્થાનિકો ધરતીકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. તેમજ બાંધકામોને મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસો ગ્રામજનો સ્ટોન ક્વોરીના વિરોધમાં ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતાઓ છે. સ્થાનિક નેતાઓ મધ્યસ્થી કરી સુખદ અંત લાવે એ હાલ જરૂરી બન્યું છે.




