કુકરમુંડા તાલુકામાં ઈટવાઈ ગામે ગૌચરની જમીનમાં ગેર કાયદેસર ખોદકામ કરીને નવી પાણી પુરવઠા યોજના હેઠળ પાણીનું સંગ્રહ કરવા માટેનો ભૂગર્ભ ટાંકીનું બાંધકામ બાબતે ટીડીઓને રજૂઆત

કુકરમુંડા તાલુકામાં ઈટવાઈ ગામે ગૌચરની જમીનમાં ગેર કાયદેસર ખોદકામ કરીને નવી પાણી પુરવઠા યોજના હેઠળ પાણીનું સંગ્રહ કરવા માટેનો ભૂગર્ભ ટાંકીનું બાંધકામ કરવામાં આવેલ હોવાના ગંભીર આક્ષેપો સાથે કુકરમુંડા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત હોવા છતાં પણ કાયદેસરની કાર્યવાહી ન થતા. તા. પં. ના સભ્યમાં નારાજગી જોવા મળી રહી છે.
કુકરમુંડા તાલુકા પંચાયતના ઇટવાઈ બેઠક -10ના સભ્ય ચંદુદાસભાઈ રાયસિંગભાઈ નાઈક દ્વારા ગત તારીખ 9 મી, જાન્યુઆરી 2024 ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ ઈટવાઈ ગામે ગૌચર જમીનમાં ગામના પંચને તેમજ કોઈ પણ પ્રતિનિધિને પૂછ્યા વગર જ બિન કાયદેસર રીતે ખોદકામ કરીને પાણી પુરવઠા યોજનાનું પાણી સંગ્રહ કરવાનું ભૂગર્ભ ટાંકીનું બાંધકામ કરવામાં આવેલ છે. તેથી જવાબદાર તંત્ર સ્થળ ચકાસણી કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરંતુ બે મહિના પસાર થવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તાલુકાની 18 ગ્રામ પંચાયતોમાં સમાવેશ ગામડાઓના લોકોઓને સમય સર અને પૂરતા પ્રણામમાં ફિલ્ટર કરેલ શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ હેઠળ કરોડોના ખર્ચે નવી પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવેલ છે. કુકરમુંડા તાલુકામાં નવી પાણી પુરવઠા યોજનાની કામગીરી લગભગ પૂર્ણ થવા આવેલ છે. જેમાં જુના કુકરમુંડા ખાતે મુખ્ય હેડવર્ક બનાવવા આવેલ છે. ત્યાં ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવાયું છે. તેમજ તાપી નદીના કિનારે ઇન્ટેકવેલ બનાવાયું છે. ગામે ગામે શુદ્ધ પાણી પહોંચાડવા પાઇપ લાઈનો નાખી છે. અમુક ગામે સબ હેડવર્ક ઉભા કરાયા છે. દરેક ગામડાઓમાં પાણી સંગ્રહ કરવા ભૂગર્ભ ટાંકીઓ પણ બનાવી છે. પરંતુ ઈટવાઈ ગામે ગૌચર જમીનમાં ગેર કાયદે પાણી પુરવઠા યોજનાની પાણીનું ભૂગર્ભ ટાંકી બનાવી દેવાતા તંત્ર દ્વારા ઈટવાઈ ગામે સ્થળ પર ચકાસણી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે તાલુકા પંચાયતના સભ્ય દ્વારા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરી છતાં હજુ સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.




