તાપી
નિઝરમાં ધુમાડાને લીધે તિવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશો દ્વારા પશુ દવાખાનામાં આગ લાગવાની ભાળ મળી

તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ખાતે પશુ દવાખાનાના જૂના અને જર્જરિત મકાનમાં ગત રોજ આગ લાગવાની ઘટના બની હતી. જર્જરિત મકાનમાં મુકેલા જૂના પૂઠાઓ સહિત જૂની દવાની બોટલોઓ બળીને ખાક થઇ ગઈ હતી. આ જર્જરિત મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ લાઇનની બાજુમાં પશુ દવાખાનાના મકાનમાં મુકેલા જુના પૂઠાઓ તેમજ જૂની પ્લાસ્ટિક દવાની બોટલોઓ આગમાં બળવાથી આજુબાજુમાં ભારે દુર્ગંધ ફેલાતાં લોકો હેરાન થયા હતા. તાત્કાલિક ધોરણે સરપંચના પતિ અજીતભાઈ પાડવી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે પશુ દવાખાના કર્મચારીઓ દ્વારા પાણી નાખીને જૂનું જર્જરિત મકાનમાં લાગેલ આગને કાબુમાં કરવામાં આવી હતી.


